જૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
જૂનાગઢ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોથી સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન એસ.ઓ.જી. ટીમે એક વ્યક્તિને દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે ઝડપી પાડ્યો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને શરીર સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને એસ.ઓ.જી. જૂનાગઢના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. પટેલના નેતૃત્વ હેઠળની ટીમ સતત સતર્ક રહી કામગીરી કરી રહી હતી.
આ દરમિયાન એ.એસ.આઈ. મહેન્દ્ર કુવાડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ વાંકને મળેલી બાતમીના આધારે જાણ થઈ હતી કે રાહુલ પરસોતમ ભટ્ટી (ઉંમર 39, વ્યવસાયવેપાર, રહે. જૂનાગઢ, જોષીપરા, આદિત્યનગર, શાક માર્કેટ પાસે, ગણેશનગર સોસાયટી) ગેરકાયદેસર હથિયાર સાથે શાંતેશ્વર જતા નવા રોડ પાસે નાકા પાસે ફરતો હોવાનું જાણવા મળ્યું હતું.
બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમ્યાન સદર વ્યક્તિ ત્યાં આવતા તેની અટકાયત કરીને તપાસ કરતાં તેના પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા તમંચો મળી આવ્યા હતા.
પોલીસે આરોપીને ઝડપીને જૂનાગઢ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે. આરોપી પાસેથી રૂૂ. 20,000ની પિસ્ટલ તથા રૂૂ. 10,000નો તમંચો મળી કુલ રૂૂ. 30,000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ ગુનાની આગળની તપાસ ચાલુ છે.