જૂનાગઢના મકરાણીના ડેલામાંથી 956 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
અમદાવાદથી પહોંચાડવામાં આવતો હોવાની કબૂલાત: 14 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ મકરાણીના ડેલામાં પોલીસે નાર્કોટીકસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસે 20 વર્ષના યુવકને 956 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ રૂૂ. 14,760નો મુદ્દામાલ મળી આવ્યો છે. મુદ્દામાલમાં ગાંજાના જથ્થા ઉપરાંત મોબાઇલ ફોન અને વજન કાંટો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીને ગાંજાનો સપ્લાય અમદાવાદથી મળતો હતો.એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ભદ્રેશભાઈ અમૃતલાલ રવૈયાએ જણાવ્યા અનુસાર, 24 જુલાઈ બુધવારે રાત્રે ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી.
બાતમી મુજબ બોદુ રફીકભાઈ મકરાણી નામનો યુવાન પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. આ માહિતીની ખાતરી કર્યા બાદ પોલીસે બે સરકારી કર્મચારીઓને પંચ તરીકે સાથે લઈને રેડ કરી હતી. રાત્રે સાડા દસ વાગ્યે મકરાણીના ડેલા વિસ્તારમાં આવેલા તેના મકાનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્લાસ્ટિકના બાચકામાં 956 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ ગાંજાની કિંમત રૂૂ. 9,560 જેટલી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઉપરાંત પ્લાસ્ટિકનું બાચકું રૂૂ. 1, મોબાઈલ ફોન રૂૂ. 5,000 તથા ઈલેક્ટ્રિક વજન કાંટો રૂૂ. 200 મળી કુલ મુદ્દામાલ રૂૂ. 14,760 થયો હતો.
પોલીસની પૂછપરછમાં આરોપી બોદુ રફીકભાઈએ કબૂલાત કરી હતી કે આ ગાંજાનો જથ્થો અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા રફીક મહમદભાઈ મકરાણી પાસેથી ખરીદેલો હતો. અમદાવાદથી ગાંજો લાવી જૂનાગઢમાં નાની-નાની પડિકીઓ બનાવી વેચતો હોવાની વિગત સામે આવી છે. મુદ્દામાલનો સ્થળ પર જ ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. કેનાબીસના સક્રિય ઘટકોની હાજરીનો રિપોર્ટ મળ્યા બાદ મુદ્દામાલ સીલ કરી કબ્જે કરાયો છે. આ કેસમાં ગઉઙજ એક્ટની કલમ 8(ઈ), 20(ઇ)(2)(અ), 29 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
પોલીસ સપ્લાય ચેઇનને લઇ વધુ આરોપીઓ સુધી પહોંચવા કામ કરી રહી છે. આ કામગીરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે. પરમાર, એએસઆઈ ભદ્રેશ રવૈયા તથા પંકજ સાગઠીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમે કરી હતી.