જૂનાગઢમાં બે મહિના પહેલાં જામીન પર છૂટેલો શખ્સ ફરી ગાંજો વેચવાના રવાડે ચડ્યો
જૂનાગઢમાં રાત્રે શખ્સને ગાંજો આપવા સાધુ પહોંચ્યો હતો જોકે એસઓજીએ બંનેને રૂૂપિયા 25,570ના 2.557 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. જૂનાગઢમાં ગેંડા અગડ રોડ ઢોરા પર વાલ્મિકીવાસના નાકા પર રહેતો 40 વર્ષીય ભરત વાલજી બગડાને તેના ઘરે મૂળ ભાવનગરના રામદેવનગર, કુંભાર વાડાનો અને હાલ ભવનાથ રહેતો 46 વર્ષીય સાધુ રમેશ ઉર્ફે ગિરનારી ઉર્ફે ભોલે બીજલભાઇ મેર ગાંજાનો જથ્થો લઈને દેવા આવનાર હોવાની બાતમી એસઓજીના કોન્સ્ટેબલ ભૂપતસિંહ સિસોદિયા તથા રોહિત ધાધલને મળી હતી જેના આધારે મોડી રાત્રે એસઓજીના પીઆઈ પી. સી. સરવૈયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ભરત વાલજીને તેના ઘરે કેસરી કલરના ફારીયાના પોટલામાં ગાંજો આપવા પહોંચતા જ બંનેને ઝડપી લીધા હતા અને રૂૂપિયા 25,570ની કિંમતનો 2.557 કિલોગ્રામ ગાંજો કબજે કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ વાય. પી. સોલંકીએ હાથ ધરી હતી. વાલ્મિકીવાસના નાકા પર રહેતો ભરત વાલજી બગડા અગાઉ પણ બે વખત ગાંજો સાથે પકડાયો હતો. છેલ્લે 6 મહિના અગાઉ એસઓજીની ટીમે જ કાળવા ચોક પાસેથી ગાંજો સાથે દબોચ્યો હતો. આ કેસમાં 2 મહિના પહેલા જ જામીન પર છૂટ્યો હતો અને મોડી રાત્રે ત્રીજી વખત ગાંજો સાથે પકડી લઈ નાર્કોટિક્સનો ત્રીજો કેસ કરવામાં આવ્યો હતો.