ભગવતીપરા બંધુલીલા સ્કૂલ પાસે કારખાનેદારનાં કારીગર સાથે શખ્સની માથાકૂટ, વાહનમાં તોડફોડ
રાજકોટ શહેરના ભગવતીપરા બંધુલીલા સ્કુલની બાજુમા ગેબી સીલ્વર એન્ડ કાસ્ટીંગ નામના કારખાના પાસે કારખાનેદારના કારીગર સાથે એક શખ્સે માથાકુટ કરી અને બાદમા ત્યાં પાર્ક કરેલા વાહનમા તોડફોડ કરી હતી. આ મામલે બી ડીવીઝન પોલીસ મથકમા આરોપી વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભગવતીપરા સુખસાગર સોસાયટી શેરી ર મા ભરતભાઇ મઠીયાના મકાનમા રહેતા કૈયુમ આશીફભાઇ કુરેશી (ઉ.વ. ર4) નામના યુવાનની ફરિયાદ પરથી ભગવતીપરામા રહેતા અમીત બોરીચા અને તેના ત્રણ સાગરીત વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે કૈયુમભાઇએ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ બંધુલીલા સ્કુલ પાસે ગેબી સિલ્વર એન્ડ કાસ્ટીંગ નામનુ કારખાનુ છેલ્લા ત્રણ વર્ષથી ચલાવે છે.
ત્યા નવ મહિનાથી શેરફુલ બસીરભાઇ શેખ અને તેનો દીકરો શાહરૂખ શેખ મજુરી કરે છે. ગઇકાલે રાત્રીના સમયે સેરફુલ કારખાનેદાર કૈયુમ આસીફભાઇ કુરેશીને જણાવ્યુ કે ત્યા શેરીમા રહેતા અમીત બોરીચા ત્યા આવી પૈસાની માંગણી કરતો હતો જેથી પૈસા આપવાની ના પાડતા તેમણે ફડાકા ઝીકી દીધા હતા અને અહી રહેવુ હોય તો પૈસા આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી જેથી મકાન માલીક ભરત મઠીયાએ અમીતને સમજાવ્યો હતો ત્યારબાદ રાત્રીના સાડા બારેક વાગ્યે અમીત તેના ત્રણ સાગરીતો સાથે આવ્યો હતો. અને કારખાનેદાર કૈયુમને જો તુ વચ્ચે આવીસ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી આ મામલે તેમણે ઉશ્કેરાઇને પાઇપ વડે કારખાનાની ડેલીમા અને એકસેસમા તોડફોડ કરી હતી. આ મામલે બી ડીવીઝન પોલીસના એએસઆઇ જયપાલસિંહ ઝાલાએ તપાસ કરી હતી.