વાવડીના ફાલ્કન પંપના કારખાનામાંથી મજૂરે જ કરી 1.40 લાખના કોપર રોડની ચોરી
વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા ફાલ્કન પંપ નામના કારખાનામાં નોકરી કરતાં અમોદ રામસોગારથ સીંગ (રહે. ગુલાબનગર)એ કારખાનામાંથી રૂૂા.1.40 લાખની કિંમતના 200 કિલો કોપર રોડની ચોરી કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
તાલુકા પોલીસે આ મામલે કારખાનામાં આઈ.ટી. ઈજનેર તરીકે નોકરી કરતાં રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.38, રહે. જુનુ જાગનાથ-4, આભા એપાર્ટમેન્ટ)ની ફરિયાદ પરથી અમોદ સીંગ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે,ગઈ તા.21-9-25ના પ્રોડકશન સુપરવાઈઝરને કારખાનામાં પ્રેસ ખાતામાં કામ કરતો આરોપી અમોદ સ્ટોર ડિપાર્ટમેન્ટમાંથી પાણીના જગમાં કોપર રોડ ચોરી કરી લઈ જવાના ઈરાદે ડાયકાસ્ટ ડિપાર્ટમેન્ટમાં છુપાવી રાખેલ છે. તેમ જાણવા મળતા આ મામલે તપાસ કરતાઆરોપીએ છુપાવીને રાખેલા પાણીના જગમાંથી 10 કિલો કોપર રોડનાં પાંચ બંચ મળી આવ્યા હતા.
આરોપીની પુછપરછ કરાતાં અગાઉ પણ આવી રીતે કોપર રોડ છુપાવીને લઈ ગયાનું જણાવ્યું હતું. એટલું જ નહીં આરોપીએ આ ડિપાર્ટમેન્ટમાં અન્ય સ્થળે પણ કોપર રોડ ચોરી છુપાવ્યાનું જણાવતાં તેને તે બતાવવાનું કહેતાં આરોપી તે સ્થળે ખુલ્લી બારીમાંથી કુદી બહાર ભાગી ગયો હતો. તપાસ કરતા આરોપીએ 1 માસમાં 200 કિલો કોપર રોડનાં બંચ ચોરી કર્યાનું જાણવા મળતાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.