બ્રહ્મસમાજ ચોક પાસે દુકાનમાંથી સવા લાખની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો
રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોક પાસે આવેલી નચિકેતા ઈલેક્ટ્રિક નામની દુકાન ધરાવતા વિપુલભાઈ નિરંજની (રહે. સોમનાથ સોસાયટી-3, મેઈન રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે)ની દુકાનમાંથી રૂૂા. 1.25 લાખની રોકડ સાથેના થેલાની ઉઠાંતરી કરનાર રીઢા તસ્કરને ગાંધીગ્રામ પોલીસે પકડી લઈ રૂૂા. 1.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ધરપકડ કરાયેલામાં હનિફશા ઇબ્રાહીમશા શાહમદાર (રહે. ચુનારાવાડ ચોક પાસે, ફૂટપાથ ઉપર, ભાવનગર રોડ)નો સમાવેશ થાય છે.
બ્રહ્મસમાજ ચોક પાસે ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વિપુલભાઈએ બે દિવસ પહેલા રાત્રે વેપારના રૂૂા. 1.25 લાખ થેલામાં રાખી થેલો ટેબલ નીચે રાખ્યો હતો. જેમાં રોકડ ઉપરાંત ક્રેડીટ કાર્ડ-ડેબીટ કાર્ડ વગેરે દસ્તાવેજો પણ હતા.તે લઘુશંકા કરવા દુકાનની બહાર નીકળ્યા બાદ પરત આવીને જોતાં રોકડ રાખેલો થેલો જોવા મળ્યો ન હતો. આથી આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે આ અંગે સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસ શરૂૂ કરતા સીસીટીવીમાં અગાઉ અલગ-અલગ ચોરીમાં સંડોવાઈ ચૂકેલો હનીફશા શાહમદાર કેદ થતાં પીઆઈ એસ.આર. મેઘાણી અને હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ અને પ્રદીપભાઈ સહિતના સ્ટાફે હનીફશાને સોજીત્રા નગર પાણીના ટાંકા પાછળથી ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. એટલુ જ નહીં પૂછપરછમાં તેણે અન્ય એક બાઈક ચોરીની કબૂલાત આપતા પોલીસે બે બાઈક, ફોન અને રોકડ સહિત રૂૂા.1.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી અગાઉ રાજકોટ અને મોરબીમાં વાહન ચોરી સહિત 24 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.