આનંદનગર પાસે હોળીની રાતે મહિલાના ગળામાંથી રૂપિયા 47 હજારના સોનાના ચેઇનની ચીલઝડપ
કોઠારીયા રોડ આનંદનગર રોડ પર ઉપર હોળીની રાતે પતિની પાછળ બેઠેલા વૃધ્ધાના ગળામાંથી બે શખ્સોએ રૂૂા. 47 હજારનો સોનાનો ચેઇનની ચીલઝડપ કરી ભાગી જતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. દંપતિની લગ્નની વર્ષગાંઠ હોય બધા પરિવારજનો હોટેલમાં જમવા જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
મળતી વિગતો મુજબ કોઠારીયા રોડ રણુજા મંદિર મેઇન રોડ પર સોમનાથ પાર્ક-6માં કંચન નામના મકાનમાં રહેતાં અન એ પીઆર પ્રેસ નામના કારખાનામાં નોકરી કરતા અશોકભાઇ રવજીભાઇ રાઠોડ (ઉ.વ.65) ની લગ્નની વર્ષગાંઠ હોય 13/3ના રોજ બધાએ બહાર હોટેલમાં જમવાનું નક્કી કર્યુ હતું. રાતે નવેક વાગ્યે અશોકભાઈ પોતાના બાઈક નંબર જીજે03ઇબી-6202 લઇને પત્નિ કુસુમ રાઠોડ સાથે નીકળ્યા હતા, બન્ને ગોંડલ રોડ પર પાઇનવીન્ટા હોટેલ ખાતે જમવા નીકળ્યા હતાં. સાથે પુત્રી પણ અલગ ટુવ્હીલર પર હતી. અશોકભાઈ કોઠારીયા રોડ થઇ આનંદનગર રોડ પર રણછોડદાસ બાપુ આરએમસી કોમ્યુનિટી હોલ પાસે પહોંચ્યા ત્યારે પત્નિ એકદમ હલતાં વાહન ઉભુ રાખી દીધુ હતું અને તેણીને શું થયું?
તેમ પુછતાં તેણે કહેલુ કે પાછળથી કોઇક ગળામાં હાથ નાખી મારો પેન્ડલ સહિતનો ચેઇન આંચકો મારી ખેંચી ગયું છે. એ શખ્સો ડબલસવારમાં બાઇક પર આવ્યા હતાં, નંબર જોઇ શકાયા નથી. બંને શખ્સો આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષના હોવાનું પત્નીએ જણાવ્યું હતું. બંને શખ્સો રૂૂા. 40 હજારનો ચેઇન, 7 હજારનું પેન્ડલ મળી 47 હજારના દાગીનાની ચીલઝડપ કરી ભાગી ગયા હતાં. ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.