રાપરમાં ચડ્ડી-બુકાનીધારી ટોળકી ત્રાટકી, છ બંધ મકાનના તાળા તુટ્યા
શહેરના મધ્યમવર્ગીય એવા અયોધ્યાપુરી વિસ્તારમાં ગતરાત્રે ચાર ચડ્ડીધારી, બુકાનીધારી નિશાચરોએ છએક બંધ મકાનનાં તાળાં તોડી તેમાંથી હાથ માર્યો હતો પરંતુ મકાનોના માલિક બહાર હોવાથી ચોરીનો આંકડો જાણી શકાયો નહોતો.
આ ટોળકીના સી.સી.ટી.વી.ના વીડિયોના ફૂટેજ બહાર આવ્યા હતા. વાગડ પંથકમાં અગાઉ થયેલી ઘરફોડ ચોરીના બનાવો હજુ પણ વણઉકેલ્યા છે ત્યારે ચડ્ડીધારી ગેંગ નજરે પડતાં ભારે ચકચાર પ્રસરી હતી. રાપરમાં ગતરાત્રિ દરમ્યાન ચડ્ડી, બુકાનીધારી ગેંગ ઊતરી આવી હતી આ શખ્સોએ છએક મકાનનાં તાળાં તોડયા હતા જેમા રહેતા લોકો બહારગામ હોવાથી ચોરીનો આંકડો જાણી શકાયો ન હતો. અયોધ્યાપુરી વિસ્તારની જુદી જુદી શેરીઓ તથા મકાનોમાં લાગેલા સી.વી. ટી.વી. કેમેરામાં આ નિશાચરો કેદ થયા હતા. બિલ્લી પગે પસાર થતા આ શખ્સો હોકી જેવા હથિયારો લઇને આવ્યા હતા.
ચોરી કરતી વખતે કોઇ જાગી જાય તો તેના ઉપર હુમલો કરીને નાસી જવાની ફિરાકમાં હોવાનું જણાય છે. રાપરમાં ચોરીના બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ અહીં દોડી આવી હતી અને સી.સી.ટી.વી.ના ફૂટેજ તપાસી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ચકચારી બનાવ અંગે રાપર પી.આઇ. જે. બી. બુબડિયાનો સંપર્ક કરતાં તેમણે બનાવને સમર્થન આપ્યું હતું અને ચારથી પાંચ બંધ મકાનનાં તાળાં તૂટયાં હોવાનું કહ્યું હતું. આ મકાનોમાંથી 10થી 15 હજાર રોકડા તથા અમુક દાગીનાની ચોરી થઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.