ભારતના 21 રાજ્યોમાં સાયબર માફિયાઓને એકાઉન્ટ ભાડે આપતી ટોળકી ઝડપાઇ
રાજસ્થાનથી અમદાવાદ આવી આધારકાર્ડમાં સરનામું બદલી બેંક એકાઉન્ટ ખોલી ભાડે આપતા હતા
અમદાવાદની 26 બેંકમાં અસંખ્ય એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયા હવાલાથી અન્ય રાજ્યોમાં મોકલ્યા
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા સાઇબર ફ્રોડ કરતી એક ગેંગને પકડી પાડવામાં આવી છે. આ ગેંગના 11 સભ્યો રાજસ્થાનથી અમદાવાદ આવતા હતા. અમદાવાદમાં આવી તેમના આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવી અલગ અલગ બેન્કમાં એકાઉન્ટ ખોલાવતા હતા. આ એકાઉન્ટ સાઇબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે ચાઈનીઝ ગેંગને આપવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે. આ ગેંગ પાસેથી પોલીસને મોટા પ્રમાણમાં એટીએમ કાર્ડ, ચેક બુક સહિતની વસ્તુઓ ઉપરાંત દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ પણ મળી આવ્યા છે. સમગ્ર મામલે સાઇબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વ રેસિડેન્સીમાં દરોડો પાડયો હતો. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિશનોઈ સહિત અન્ય લોકો મળી આવ્યા હતા. મકાનમાં તપાસ કરતા ત્યાંથી 12 મોબાઈલ, 10 ડુપ્લીકેટ આધાર કાર્ડ અને 10 ઓરોજનલ આધારકાર્ડ, 12 પાનકાર્ડ, 21 ચેકબુક, 10 પાસબુક, 15 સીમકાર્ડ તેમજ 43 એટીએમ, 1 ભાડાકરાર પણ મળી આવ્યા હતા.
આ ઉપરાંત આરોપી રાકેશ બીસનોઈ પાસેથી એક પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ પણ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મકાનમાં રહેતા મુખ્ય વ્યક્તિ સુરેશ તેમજ અન્ય લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું કે મકાનમાં રહેનારા તમામ લોકો રાજસ્થાનના જોધપુરના આસપાસના વિસ્તારોમાંથી અમદાવાદ આવ્યા છે. આ તમામ લોકો દ્વારા અમદાવાદની અલગ અલગ બેન્કોમાં બેંક એકાઉન્ટ ખોલાવી તેની પાસબુક અને ચેકબુક મુખ્ય વ્યક્તિ સુરેશ બીષ્ણોઈને આપવાની હતી. જેથી પોલીસે સુરેશ બિસનોની વધુ તપાસ કરતા સામે આવ્યું કે સુરેશ બિશનોઈ દ્વારા આ તમામ બેન્ક એકાઉન્ટ જોધપુરના સુનીલ ધિરાણી નામના વ્યક્તિને આપવાની હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપીઓ ત્રણથી ચાર મહિનાથી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતા હતા.જે બાદ અન્ય લોકોને રાજસ્થાનથી અમદાવાદ બોલાવી તેમના તમામના આધારકાર્ડમાં અમદાવાદનું એડ્રેસ સાથે નવું આધાર કાર્ડ બનાવતા હતા, જેના દ્વારા તે અલગ અલગ બેન્કોમાં બેંક એકાઉન્ટ ખોલાવતા હતા.
જે બેન્ક એકાઉન્ટ ચાઈનીઝ ગેંગને ભાડેથી આપવામાં આવતા હતા. આરોપીઓની પૂછપરછ અને તેમની પાસેથી મળેલા મોબાઈલના ટેકનીકલ એનાલિસિસને આધારે સામે આવ્યું કે આરોપીઓ દ્વારા ભારતના અલગ અલગ 21 જેટલા રાજ્યોમાં તેમણે એકાઉન્ટ ભાડે આપ્યા છે, જેને લઈને તેમના વિરુદ્ધ એનસીઆરટી પોર્ટલમાં અત્યાર સુધીમાં 109 જેટલી ફરિયાદો પણ મળી ચૂકી છે. આરોપીઓ દ્વારા અલગ અલગ શહેરોમાં 26 જેટલી બેંકની શાખાઓમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ગેંગ દ્વારા આપવામાં આવતા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સહિતના સાઇબર ફ્રોડમાં વાપરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.