રાજકોટના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવીને રૂ.1.45 લાખ પડાવ્યા
રાજકોટ અને પડધરીના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ આણંદના જમીન દલાલને વડોદરા મળવા બોલાવી હનીટ્રેપમાં ફસાવીને ગાંધીનગર કાઈમ બ્રાન્ચનો સ્વાંગ રચી માં રૂૂ. 1.45 લાખ પડાવી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ટોળકીની એક મહિલા સહિતના સુરત અને રાજકોટના પાંચને વડોદરા એલ. સી.બી.-3ની ટીમે ધરપકડ કરી વિશેષ પુછપરછ શરુ કરી છે.
પોલીસે આણંદના જમીન દલાલ પાસેથી પડાવી લીધેલી રકમ પૈકી રૂૂ. 1.10 લાખ રોકડા અને 7 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ટોળકી સુરતમાં હનીટ્રેપના બે ગુનામાં સંડોવાયેલા હોવાનું અને તે ગુનામાં તે વોન્ટેડ હોય સુરતના બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે.
ભોગ બનનાર આણંદના જમીન દલાલ 40 વર્ષીય યુવકનો ફેસબુક મારફતે જીયા નામની યુવતી સાથે પરિચય થયા બાદ ગત તા.24મી ડિસેમ્બરે જીયાનો મેસેજ આવ્યો હતો અને જીયાએ ફેસબુક મેસેન્જરથી ફોન કર્યો હતો અને પ્રોપર્ટીની વાત કરવા માટે તા.27મીએ આજવા ચોકડી નજીક અનંતા સમૃદ્ધીના ગેટની બહાર બોલાવ્યા હતા.
આણંદના જમીન દલાલ વડોદરા આજવા ચોકડે મળવા ગયા ત્યારે નંબર પ્લેટ વગરની એક કારમાં ત્રણ યુવકો ત્યાં આવ્યા હતા અને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી તમે છોકરીઓ ફસાવવાનો ધંધો કરો છો તેમ કહી ધરપકડ કરવા ધમકી આપી હતી અને આણંદના જમીન દલાલને પોલીસ ધરપકડથી બચવા માટે રૂૂ. 1.45 લાખ પડાવી લીધા હતા.આ બાબતે આણંદના જમીન દલાલે પોલીસ ફરિયાદ નોંધવતા એલ.સી.બી. ઝોન-3ની ટીમે ટેકનીકલ સર્વેલન્સ તેમજ સીસીટીવીના આધારે ટોળકીને ઓળખી હતી.
આ મામલે એલ.સી.બી. ઝોન-3ની ટીમે રાજકોટના પડધરીના જીલરીયા ગામના કલ્પેશ દિલસુખ અગ્રાવત, રાજકોટના અજય કિશોરભાઈ અગ્રાવત,રાજકોટ મુંજકા રહેતા વિનોદ ગોરધનભાઈ જાદવ તેમજ સુરતના વરાછાની વૈશાલી મૌલિક પુજારા અને માયા ભગુભાઈ શેયડાની ધરપકડ કરી હતી. આ ટોળકી પાસેથી જમીન દલાલ પાસેથી પડાવી લીધેલી રકમ પૈકી રૂૂ. 1.10 લાખ રોકડા અને 7 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ટોળકીએ સુરતમાં સારોલી તેમજ કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હનીટ્રેપના બે ગુનાઓમાં તેમની સંડોવણી બહાર આવતા સુરતના બે અનડિટેક્ટ ગુનાઓના પણ ભેદ ઉકેલાતા સુરત પોલીસ પણ આરોપીની કસ્ટડી મેળવવા માટે સક્રીય થઈ છે.
---