રેલનગર અને રણછોડનગરમાં બે યુવાનોને જાહેરમાં છરીના ઘા ઝીંકી ફરાર શખ્સ ઝડપાયો
શહેરના રેલનગર અને રણછોડનગરમાં બે દિવસમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર અને છેલ્લા 15 દિવસથી ફરાર ચામડિયા ખાટકી વાસના નામચીન શખ્સને ક્રાઈમ બ્રાંચે અંતે ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ શહેરના રણછોડનગર શેરી નં. 16/4ના ખુણે બનેલા બનાવમાં ગત તા. 18-1 ના રોજ પરેશ ચંદ્રકાંતભાઈ પટેલ પોતાનું મોટરસાયકલ લઈ જતો હતો ત્યારે મોટર સાયકલ બાજુમાંથી પસાર થતાં નજીવી બાબતે થયેલ ઝઘડામાં ચામડિયા ખાટકી વાસમાં રહેતા અલબાઝ ઉર્ફે રઈસ ઉર્ફે અબુ મહમદભાઈ ભાડુલા નામના શખ્સે પરેશને ગાળો આપી છરીનો ઘા ઝીંકી દીધો હતો અને ભાગી ગયો હતો આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ઘટના બાદ ગત તા. 20-1ના રોજ રેલનગરના મૈસુર ભગત ચોક પાસે રવેચી હોટલની પાછળ અજય સંજય સોલંકી નામના યુવાન સાથે નજીવી બાબતે ઝઘડો કરી અલબાઝે તેને પણ છરીના ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
બે દિવસમાં બે યુવાનો ઉપર જાહેરમાં છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયેલા અલબાઝને શોધવા માટે પોલીસની અલગ અલગટીમો કામે લાગી હતી.
છેલ્લા 15 દિવસથી ફરાર અલબાઝને અંતે ક્રાઈમ બ્રાંચની ટીમે પોપટપરાના નાલા પાસેથી ઝડપી લીધો હતો. અલબાઝ વિરુદ્ધ હત્યાની કોશિષ તેમજ મારામારી, સહિતના 13 જેટલા ગુના નોંધાયેલા છે અને તે એક વર્ષ પૂર્વે જ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચુક્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા તથા ડિસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ભરત બી બસિયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલિયા, પીઆઈ એમ. એલ. ડામોરએ સીએચ જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે. મોવલિયા અને તેમની ટીમના સંજયભાઈ, અમિતભાઈ અગ્રાવત, દિપકભાઈ ચૌહાણ, યુવરાજસિંહ ઝાલા, અશોકભાઈ ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.