જામનગર રોડ ઉપર ફ્રૂટનો વેપારી ત્રીજી વખત ડ્રગ્સ વેંચતા ઝડપાયો
શહેરમાં માદક પદાર્થેની હેરાફેરી કરતાં તત્વો ઉપર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ પાસેથી એસઓજીની ટીમ ફ્રુટની આડમાં ડ્રગ્સ વેચતા વેપારીને ત્રીજી વખત ઝડપી પાડયો હતો. આ ડ્રગ્સ પેડલર ફ્રુટના વેપારી પાસેથી રૂા.1.95 લાખની કિંમતનું 19.52 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સહિત રૂા.2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ તે કયાંથી લાવ્યો તે બાબતે રિમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શહેરમાં બેફામ બનેલા ડ્રગ્સ પેડલરો અને નશાના કારોબાર કરતાં તત્વો ઉપર એસઓજીની ટીમ ધોંસ બોલાવી રહી છે. ત્યારે શહેરનાં જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડીંગ પાસેથી એકટીવા નં.જીજે.3.એનસી.9648માં ડ્રગ્સ સાથે એક શખ્સ નીકળવાનો હોવાની બાતમીને આધારે એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. એકટીવાના ચાલક બજરંગવાડી શેરી નં.2 ટાવર નીચે રહેતા ફ્રુટ અને કાપડનો વેપાર કરતાં જલાલમીયા તાલબમીયા કાદરી (ઉ.51)ની ધરપકડ કરી તેની પાસેથી રૂા.1.95 લાખની કિંમતનું 19.52 ગ્રામ ડ્રગ્સ સહિત રૂા.2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ફ્રુટ અને કાપડનો વેપાર કરતાં વેપારી જલાલમીયા ફ્રુટની આડમાં નશાનો કારોબાર ચલાવે છે. આ શખ્સને ત્રીજી વખત ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. અગાઉ પણ બે વખત પકડાયેલો જલાલમીયા છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સ પેડલર બની ગયો હોય તે આ ડ્રગ્સ કોની પાસેથી લાવતો અને કોને કોને વેંચતો તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના મુજબ એસીપી ભરત બી.બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એમ.બી.માજીરાણા સાથે સ્ટાફના ધર્મેશભાઈ ખેર, ઈન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ ગોહિલ, અરૂણભાઈ બાંભણીયા, મૌલીકભાઈ સાવલીયા, હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.