જસદણના ખાંડા હડમતિયા ગામે બે પરિવારો વચ્ચે ઘોડી ચલાવવા બાબતે ધીંગાણુ, 4 ઘાયલ
માલઢોરથી દૂર ઘોડી ચલાવવા બાબતે થયેલ ઝઘડો મારામારી સુધી પહોંચ્યો
જસદણના ખાંડા હડમતિયા ગામે માલઢોર નજીક અશ્ર્વને દોડાવવા બાબતે બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જેમાં બે પરિવારના ચાર સભ્યો ઘાયલ થયાં હતાં. આ મામલે સામાસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ખાંડાધાર હડમતિયા ગામે રહેતા કલ્પેશ ચતુરભાઈ ઝાપડિયાએ નોંધાવેલી ફરિયાદમાં રમાબેન બહાદુરભાઈ ઝાપડિયા, વાલજી મેઘજીભાઈ ઝાપડિયા, જાદવ બેચરભાઈ ઝાપડિયા, અશ્ર્વિન પરસોતમભાઈ જાપડિયા, રાજેશ પરસોતમ ઝાપડિયા, યશપાલ બહાદૂર ઝાપડિયા, રાજેશ વાલજી ઝાપડિયા, ભાવેશ વાલજી ઝાપડિયા અને અક્ષય જાદવભાઈ ઝાપડિયાનું નામ આપ્યું છે.
કલ્પેશ ઝાપડિયા પોતાની ઘોડી લઈને નિકળ્યો હોય તે દરમિયાન રમાબેન ઝાપડિયાના ઘર પાસે ઘોડીને જોઈને તેના માલઢોર ભાગવા લાગતા તે બાબતે રમાબેન અને કલ્પેશ વચ્ચે ઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. અને રમાબેન તથા તેના પરિવારના અન્ય 8 સભ્યોએ કલ્પેશ તથા તેના પિતા ચતુરભાઈ ઉપર હુમલો કર્યો હતો.
સામાપક્ષે અશ્ર્વિનભાઈ પરસોતમભાઈ ઝાપડિયાએ નોંધાવેલી ફરિયાદમાં કલ્પેશ ચતુરભાઈ ઝાપડિયા તથા તેના પિતા ચતુરભાઈ મેઘજીભાઈ ઝાપડિયા, માતા ગિતાબેન ચતુરભાઈ ઝાપડિયા અને ભાઈ વિશ્ણુ ચતુરભાઈ ઝાપડિયાનું નામ આપ્યું છે. અશ્ર્વિનભાઈના ઘર પાસે ઘોડી લઈને નિકળેલા કલ્પેશને થોડે દૂર ઘોડી ચલાવવાનું કહેતા અશ્ર્વિનભાઈના કાકી રમાબેન સાથે ઝઘડો કર્યો હતો. અને મારામારી કરતા અશ્ર્વિનભાઈ તથા તેના કાકીને ઈજા થઈ હતી. આ મામલે પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.