ગોંડલના ભુણાવામાં બે ભાઈના પરિવાર વચ્ચે ધિંગાણું, 3 ઘાયલ
જેસીબી ચલાવવા બાબતે છેલ્લા બે માસથી ચાલતી માથાકૂટમાં ફરી ડખો, હત્યાની કોશિશનો ગુનો
ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા બે દરબાર ભાઈઓ વચ્ચે છેલ્લા બે માસથી જેસીબી ચલાવવા બાબતે ચાલતી માથાકુટમાં ફરી વખત ઝઘડો થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી બન્ને ભાઈઓ અને તેના પરિવાર વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં ત્રણને ઈજા થઈ હતી. જ્યારે આ મામલે પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ બન્ને પક્ષના 15 સભ્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના ભુણાવા ગામે જેસીબી ચલાવવા બાબતે વિજયસિંહ બચુભા જાડેજા અને યશપાલસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા વચ્ચે છેલ્લા ઘણા વખતથી વિવાદ ચાલતો હોય જેમાં અગાઉ મારામારી થઈ હતી. જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને વાહનોમાં તોડફોડ પણ થઈ હોય આ બનાવ બાદ 31 ડિસેમ્બરે ફરી માથાકુટ થઈ હતી.
જેમાં વિજયસિંહ બચુભા જાડેજાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સિધ્ધરાજસિંહ નિરુભા જાડેજા, નરેન્દ્રસિંહ નિરુભા જાડેજા, ભરતસિંહ બચુભા જાડેજા, રુદ્રરાજસિંહ સંજયસિંહ જાડેજા, લકીરાજસિંહ જગુભા જાડેજા, યશપાલસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા, અજયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને મંગાભાઈ ચાવડાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉ જેસીબી ચલાવવા બાબતે થયેલ માથાકુટનું મનદુખ રાખી તેના ભાઈ અને ભત્રીજા સહિતના શખ્સોએ ભુણાવા ગામે માથાકુટ કરી હુમલો કર્યો હતો. જેમાં વિજયસિંહ ઉપરાંત કૃષ્ણપાલસિંહ તથા ઓમદેવસિંહ અને ભગીરથસિંહને ઈજા થઈ હતી આ મામલે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો છે.
સામાપક્ષે યશપાલસિંહ સિધ્ધરાજસિંહ જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા, વિજયસિંહ બચુભા જાડેજા, ભગીરથસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, હરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ રાજેશન્દ્રસિંહ જાડેજા અને કૃષ્ણપાલસિંહ વિજયસિંહ જાડેજાનુ નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ યશપાલસિંહ ઉપર અગાઉની માથાકુટનો ખાર રાખી હુમલો કરાયો હતો. જેમાં યશપાલસિંહ તથા નરેન્દ્રસિંહ જાડેજાને ઈજા થઈ હતી. આ બન્ને ફરિયાદમાં બન્ને પક્ષના મળીને 15 શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.