પીઝાના 50 હજાર માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણું
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ આવારા તત્વો બેફામ બની રહયા હોવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં કેટરર્સના ધંધાર્થીએ અન્ય કેટરર્સના ધંધાર્થીને પીઝાનો ઓર્ડર આપ્યો હતો. જે પીઝાના પ0 હજાર માટે 40 ફુટ રોડ પર મોમાઇ ચોક ખાતે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધીંગાણુ થયુ હતુ. જેમાં એક યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રાત્રીના મારામારી કરનાર બંને પક્ષે સામસામી ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 40 ફુટ રોડ પર આવેલા ઓમનગરમાં રહેતો અને કેટરર્સનો વ્યવસાય કરતો વિશાલ ભરતભાઇ મારડીયા (ઉ.વ. 32) રાત્રીના દશેક વાગ્યાના અરસામાં 40 ફુટ રોડ પર આવેલા મોમાઇ ચોકમાં પોતાની શ્રી ગોપાલ કેટરર્સ નામની ઓફિસે હતો ત્યારે વાલાભાઇ ડાંગર સહીતના 3 અજાણ્યા શખ્સે રીક્ષા લઇને ધસી આવ્યા હતા અને કેટરર્સના ધંધાર્થી કોમલબેનના રૂ. પ0 હજારની ઉઘરાણી કરી ધોકા - પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત વિશાલ મારડીયાના પિતા ભરતભાઇ મારડીયાએ હુમલાખોર વાલજીભાઇ સુખાભાઇ ડાંગર સહીતના શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે અને ફરીયાદમાં જણાવ્યુ છે કે તેમણે કેટરર્સના ધંધાર્થી કોમલબેન વનરાજભાઇ ચાવડાને પીઝા બનાવવાનુ કામ આપ્યુ હતુ. જે કેટરર્સના રૂ. પ0 હજારની ઉઘરાણી માટે કોમલબેનના પાટર્નર વાલાભાઇ આહીર સહીતનાએ હુમલો કર્યો હતો.
જયારે વળતી ફરીયાદમાં ભગવતિપરા વિસ્તારમાં ગાંધી સમૃધ્ધિમાં રહેતા અને કેટરર્સનુ કામ કરતા વાલજીભાઇ સુખાભાઇ ડાંગરે વિશાલ ચતુરભાઇ મારડીયા અને ચતુરભાઇ મારડીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે કે કોમલબેન ચાવડા સાથે વાલજીભાઇ ડાંગરને પાર્ટનરમાં કેટરર્સનો વ્યવસાય છે. વિશાલ મારડીયાના પિતા ભરતભાઇ મારડીયાએ કોમલબેનને પીઝાનો ઓર્ડર આપી કેટરર્સનુ કામ કરાવ્યુ હતુ. જે કેટરર્સના રૂપિયા બાકી રહેલા પ0 હજાર આપવા ફોન કરીને બોલાવ્યા બાદ પિતા-પુત્રએ હુમલો કરી પૈસા નથી આપવા તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે. બંને પક્ષે નોંધાયેલી ફરીયાદના આધારે તાલુકા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.