જામનગરમાં એક જ ઘરમાં પરણેલી બે બહેનોનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો
એક બહેને પોતાને ગાળો ભાંડી ધાક ધમકી આપ્યાની પોતાની બહેન સામે ફરિયાદ નોંધાવી
જામનગરમાં પંચવટી ગૌશાળા વિસ્તારમાં રહેતી ઉમિયાબા અનિરુદ્ધસિંહ જાડેજા નામની 43 વર્ષ ની મહિલાએ પોતાને ઘેર આવી ધાક ધમકી આપવા અંગે પોતાની જ બહેન કૈલાશબા અરવિંદસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી મહિલાઓ બંને બહેન થાય છે, અને બંનેના એક જ કુટુંબમાં લગ્ન થયા છે. જેમાં આરોપી મહિલા કૈલાસબા અને તેના પતિ અરવિંદસિંહ જાડેજા સાથે મન દુ:ખ થયા પછી બંને વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અને કૈલાશબાની પુત્રી સ્મૃતિબા કે જે હાલ ફરિયાદી ઉમિયાબા પાસે છે.
પોતે તેણીને સ્કૂલે મૂકવા જાય છે, જે દરમિયાન આરોપી મહિલાએ રસ્તામાં તેને અટકાવીને અપશબ્દો ઉચ્ચાર્યા હતા, ત્યારબાદ સ્કૂલમાં પણ જઈને શિક્ષકો સાથે બેહૂદુ વર્તન કર્યું હતું, જ્યારે પોતાના ઘરે આવીને પણ હંગામો મચાવ્યો હોવાથી મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો, અને પોતાની સગી બહેન સામે ફરિયાદ નોંધાવી છે.જે મામલે પી.એસ.આઇ.એમ.વી મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.