રાજકોટમાં અભ્યાસ કરતી નર્સિંગની છાત્રા ઉપર કૌટુંબિક ભાઇએ જ દુષ્કર્મ આચર્યું
રાજકોટની ભાગોળે આવેલી એક કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી સુરેન્દ્ર નગર પંથકની છાત્ર ઉપર કૌટુંબિક ભાઇએ જ ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આરોપી એવા કૌટુંબિક ભાઇએ મારી જવાની ધમકી આપી ઘરે બોલાવી છાત્ર ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ કોઇને કહીંશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. બાદમાં ફરી યુવતીના ભાઇને મારી નાખવાની ધમકી આપી ફરવા લઇ જઇ ચાલુ ટ્રેનમાં હવસનો શિકાર બનાવી હતી. આ અંગે પોલીસે આરોપી કૌટુંબિક ભાઇ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ સુરેન્દ્રનગર પંથકની અને હાલ રાજકોટની ભાગોળે આવેલી એક કોલેજમાં નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષિય છાત્રાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં થાન પંથકના એક ગામ રહેતા તેના કૌટુંબિક ભાઇ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણી છેલ્લા એક વર્ષથી રાજકોટમાં હોસ્ટેલમાં રહી નર્સિંગનો અભ્યાસ કરે છે. તેનો કૌટુંબિક ભાઇ અવાર નવાર ફોનમાં અને વોટસએપમાં વાતચીત કરતો હોય બન્ને વચ્ચે પ્રેમસબંધ બાંધ્યો હતો.
દરમિયાન ગત ઉનાળાના વેકેશનમાં તેણી ઘરે ગઇ ત્યારે તા.9/5ના રોજ આરોપીએ મોબાઇલમાં મેસેજ કરી ‘તું મને મારા ઘરે મળવા આવ નહીં તો હું મરી જઇશસ, તેવો મેસેજ કરતા તેણી તેના ઘરે ગઇ હતી. ત્યારે આરોપીએ તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું અને આ અંગે કોઇને કઇશ તો હું મરી જઇશ તેવી ધમકી આપી હતી. જેથી તેણી ડરી ગઇ હતી. બાદમાં તેણીએ આરોપીનો મોબાઇલ નંબર બ્લોક લીસ્ટમાં નાખી દેતા આરોપીએ તેની બહેનના ફોનમાંથી ફોન કરી બ્લોક લીસ્ટમાંથી નંબર કાઢવા ધમકી આપી હતી. ત્યાર બાદ ગત તા.15/9ના આરોપીએ ફોન કરી તું મારી સાથે બહાર નહીં આવે તો હું તારા ભાઇને મારી નાખીશ, તેવી ધમકી આપતા છાત્ર 16/9ના હોસ્ટેલેથી નીકળી આરોપીને મળવા જતા આરોપી તેને લઇ અમદાવાદ, સુરત, મુંબઇ ત્યાંથી જામનગર, દ્વારકા લઇ ગયો હતો અને બાદમાં રાજકોટથી સુરેન્દ્રનગર ખાતે ટ્રેનમાં જતા હતા ત્યારે ચાલુ ટ્રેનમાં તેની સાથે ફરી દુષ્કર્મ આચર્યું હતું.
ત્યાર બાદ આરોપી તેને તેના ઘરે લઇ જતા છાત્રાના માતા-પિતા પણ તેને શોધતા હોય બન્ને મળી જતા માતા-પિતાએ છાત્રાને પુછતા તેણે સમગ્ર હક્કિત વર્ણવતા વાલીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. આ અંગે છાત્રાએ કુવાડવારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કૌટુંબિક ભાઇ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપ્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.