ટીપણા અંદર ટીપણું અને એની અંદર બાટલી!
પોલીસની ચબરાક નજર સામે સપ્લાયર ફાવ્યા નહીં, કુવાડવા રોડ ઉપરથી દારૂના 720 ચપલા સાથે કિમિયાગર ઝડપાયો
બુટલેગરો દ્વારા શહેરમાં દારૂ લાવવા માટે નવા-નવા કિમીયાઓ કરતા હોય છે. પરંતુ સજાગ રહેલી પોલીસ દારૂનો જથ્થો પ્યાસીઓ સુધી પહોંચે તે પહેલા ઝડપી લેતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટ શહેરમાં બન્યો છે. શહેરના કુવાડવા રોડ પર પેટ્રોલીંગ કરી રહેલી પીસીબી શાખાએ બાતમીના આધારે કુવાડવા રોડ ડી-માર્ટની સામેથી એક રાજસ્થાન પાર્સિંગની બોલેરો પીકઅપ વાહન નીકળતા તેમની તલાશી લેતા સૌ પ્રથમ સ્ટાફને કાંઇ મળ્યો નહતો. પરંતુ સ્ટાફને વાહનમાં રહેલા પતરાના ટીપણાની અંદર ટીપણુ અને તેની અંદરથી દારૂના બોક્સ મળી આવ્યા હતા. દારૂનો જથ્થો જોઇ પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી અને દારૂના 720 જેટલા ચપલા કબ્જે કરી બે શખ્સને ઝડપી પાડયા હતા.
વધુ વિગતો મુજબ પીસીબી શાખાના પી.આઇ. એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં એમ.જે.હુણ, પી.બી.ત્રાજીયા, કરણભાઇ મારુ, વિજયભાઇ મેતા અને યુવરાજસિંહ રાણા સહિતના સ્ટાફે બાતમીના આધારે કુવાડવા ડી-માર્ટની સામેથી એક રાજસ્થાની પાર્સિંગની બોલેરો પીકઅપ વાહન રોકી હતી અને તેમાં બેઠેલા બન્ને શખ્સોની પૂછપરછ કરતા રાજેશચંદ્ર અંબાલાલ સાલવી (રહે.ધનકપુરા ગામ તહેસીલ આમેટ જી.રાજસમદ રાજસ્થાન) અને ભવરલાલ જગદીશલાલ લોહાર (રહે. ગામ મોડકાનિમ્બાહેડા તહેસીલ માંડલ જી.ભીલવાડા રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતુ.
તેમજ ગાડીની તલાસી લેતા ગાડીમાં રહેલી ટીપણા જોતા સૌ પ્રથમ કાંઇ જોવા મળ્યુ નહતું. ત્યાર બાદ સાથે રહેલા સ્ટાફે બોલેરોની ઉપર ચડી ટીપણા અંદર રહેલા તમામ ટીપણા જોતા દારૂની બોટલના બોક્સ મળી આવ્યા હતા. આ જોઇ પોલીસ સ્ટાફ પણ આશ્ચર્યમાં પડી ગયો હતો. તેમજ આરોપીઓ પાસેથી 720 દારૂની બોટલ સહિત રૂા.5.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દારૂનો જથ્થો રાજકોટના શખ્સે મંગાવ્યો હોવાનું જાણવા મળતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.