અમદાવાદના ડોકટરે સપનામાં નીમ કરોલી બાબાને જોયા બાદ બનાવ્યું હનુમાન મંદિર
વિશ્રામ મુદ્રામા હનુમાનજી મૂર્તિ સાથે નીમ કરોલી બાબાની મૂર્તિનું 23મી ઓગસ્ટે સ્થાપન કરાશે
અમદાવાદના એક જાણીતા તબીબે શહેરના રાંચરડા તળાવ પાસે હનુમાનજીનું અનોખું મંદિર બનાવ્યું છે.જેનો 23 ઓગષ્ટે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ મંદિર બનાવવા પાછળની પણ એક રસપ્રદ વાર્તા છે. રાજસ્થાનના અજમેરના વતની ડોક્ટર પ્રવીણ ગર્ગને આઠ મહિના પહેલા સપનામાં નીમ કરોલી બાબા દ્વારા મંદિર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જેથી તેમણે આ મંદિરનું નિર્માણ કર્યું છે.
નીમ કરોલી બાબાના પરમ ભક્ત ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું કે માત્ર બે વર્ષ પહેલા જ તેઓ ઉત્તરાખંડના કૈંચી ધામ સ્થિત નીમ કરોલી બાબાના મંદિરે ગયા હતા. આ સમય દરમિયાન ડોક્ટર પ્રવીણ ગર્ગે બાબાને મનમાં પોતાના ગુરુદેવ તરીકે સ્વીકાર્યા. નીમ કરોલી બાબા પ્રત્યે પ્રવીણ ગર્ગની શ્રદ્ધા એટલી ઊંડી થઈ ગઈ કે નીમ કરોલી બાબા તેમને સપનામાં પણ દેખાવા લાગ્યા. ડોક્ટર ગર્ગના જણાવ્યા અનુસાર, આઠ મહિના પહેલા એક રાત્રે નીમ કરોલી બાબાએ તેમને સ્વપ્નમાં હનુમાનજીનું મંદિર બનાવવાનું કહ્યું,આ સપનાને નીમ કરોલી બાબાનો આદેશ માનીને ડો.પ્રવીણ ગર્ગે હનુમાનજીના મંદિરના નિર્માણના પ્રયત્નોમાં શરુ કર્યા અને મંદિરના નિર્માણ માટે પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધા. મંદિર બનાવવા માટે સૌથી પહેલા જગ્યાની જરૂૂર હતી. બાબાની કૃપાથી અમદાવાદ શહેરની નજીક મંદિર રાંચરડા તળાવ પાસે જગ્યા મળી ગઈ અને ત્યાં હનુમાનજીનું અનોખા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.જ્યાં હનુમાનજી અને નીમ કરોલી બાબાની મૂર્તિની સ્થાપના કરી છે. આ મંદિર 23 ઓગષ્ટ બાદ લોકોને દર્શન માટે ખુલ્લું મુકાશે.
રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી બનેલ વિશ્રામ મુદ્રામાં હનુમાનજીનું દેશનું ચોથું મંદિર
ડો. ગર્ગે જણાવ્યું કે તેમને સ્વપ્નમાં આદેશ મળ્યો હતો કે હનુમાનજીનું મંદિર વિશ્રામની મુદ્રામાં બનાવવામાં આવે. આને ધ્યાનમાં રાખીને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી દોઢ ટન વજન અને 35 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. આ મંદિર રાજસ્થાનના લગભગ 25 કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વિશ્રામ મુદ્રામાં હનુમાનજીનું દેશનું ચોથું મંદિર હોવાનું કહેવાય છે. મંદિરમાં નીમ કરોલી બાબાની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે. પંડિત વિનય મિશ્રાના નેતૃત્વમાં 23 ઓગસ્ટે મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે આ પ્રસંગે અનેક હસ્તીઓ હાજર રહે તેવી શક્યતા છે.