ખંભાળિયામાં તેલી નદીના પુલ પાસેથી બિનવારસુ હાલતમાં મૃત ભ્રુણ મળી આવ્યું: અરેરાટી
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તાર નજીક આવેલી તેલી નદીના પુલ પાસેથી આજરોજ સવારના સમયે એક ભ્રુણ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જે અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં નગર ગેઈટથી મિલન ચાર રસ્તા સુધી જતા માર્ગમાં તેલી નદીના પુલ પાસે આજરોજ સવારના સમયે એક નવજાત બાળક પડ્યું હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા તંત્રને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને ઈમરજન્સી 108 ની ટીમ તેમજ પોલીસ સ્ટાફ આ સ્થળે દોડી ગયો હતો.
અહીં તેલી નદીના પુલના એક છેડે કપડામાં વીંટેલી હાલતમાં આશરે પાંચેક માસનું ભ્રુણ મૃત હાલતમાં પડ્યું હતું. આથી પોલીસે તેનો કબજો મેળવી અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
ત્યારે કોઈ અજાણી મહિલાએ આ માદા ભ્રુણને કયા કારણોસર ત્યજી દીધું તે અંગે પોલીસે ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.