સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો
સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરીના જુનિયર કલાર્કને રાજકોટ એસીબીની ટીમે 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. સિલિકા રેતીની લીઝ બાબતે આરટીઆઇ અન્વયે માહિતી માંગતા જે માહિતી પુરી પાડવા માટે જુનિયર કલાર્કે લાંચ માંગી હતી. રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહીલ અને તેમની ટીમે સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરીના દરવાજે લાંચ લેતા કલાર્કને ઝડપી લીધો હતો. રાજકોટ એસીબી સમક્ષ થયેલી ફરીયાદમાં ફરીયાદીએ આરોપી તરીકે સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરીના જુનિયર કલાર્ક અમૃત ઉર્ફે આનંદ કહેરભાઇનું નામ આપ્યું હતું. ફરીયાદીએ સીલીકા રેતીની લીઝની માંગણી કરેલ હોય જે લાંબાગાળાથી પેન્ડીંગ હોય આ લીઝની માંગ કરનાર ફરીયાદીએ આરટીઆઇ અન્વયે માહિતી માંગેલ હતી.
જે માહિતી કચેરી તરફથી અધુરી મળેલી અને બાકી રહેલી માહિતી પુરી આપવા માટે જુનિયર કલાર્ક અમૃત ઉર્ફે આનંદે રૂા.10 હજારની લાંચ માંગી હતી જે બાબતે જામનગર એસીબીનો ફરીયાદીએ સંપર્ક કરતા રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહીલના સુપરવિઝન હેઠળ છટકુ ગોઠવાયું હતું અને સુરેન્દ્રનગરના ખાણખનીજ કચેરી ગેટ પાસેથી જુનિયર કલાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો.