જૂનાગઢની હોસ્ટેલમાં ધો.11ના છાત્રને અન્ય છાત્રોએ ફટકાર્યો
આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં એક માસ પહેલા બનેલી ઘટના દબાવી દેવાઇ, વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 11મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેના જ હોસ્ટેલના અન્ય વિદ્યાર્થી દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના એક મહિના પહેલા બની હોવા છતાં, સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તેને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં આ માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે, જેના કારણે વાલીઓમાં ભારે રોષ અને ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.
જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાંથી એક અત્યંત સંવેદનશીલ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેને કારણે શાળાની સુરક્ષા અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોમાં 17 વર્ષના એક વિદ્યાર્થીને તેના જ હોસ્ટેલના સાથી વિદ્યાર્થી દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે. આ વીડિયોએ એક જબરજસ્ત આઘાત પેદા કર્યો છે, અને તે અમદાવાદની સેવન ડે જેવી ઘટનાની યાદ અપાવે છે.
આ ઘટના લગભગ એક મહિના પહેલા બની હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે શાળા પ્રશાસને આ સમગ્ર મામલાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓએ શાળા સંચાલકો પર બેદરકારી અને ઘટના છુપાવવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. શરૂૂઆતમાં, ભોગ બનનાર વિદ્યાર્થીએ મારનું કોઈ અન્ય બહાનું બનાવ્યું હતું. જોકે, શંકા જતા વાલીઓ તેને હોસ્ટેલમાંથી ઘરે લઈ આવ્યા હતા.
શાળા દ્વારા ઘટનાને છુપાવવાના પ્રયાસ છતાં, તાજેતરમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો. વીડિયો વાયરલ થતાની સાથે જ વાલીઓમાં ભારે ગભરાટ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ઘણા વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. આ ઘટના ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સલામતી, શિસ્ત અને જવાબદારીના મુદ્દાઓને પ્રકાશમાં લાવે છે. આ સમગ્ર મામલામાં હવે આગળ શું પગલાં લેવાય છે, તે જોવું રહ્યું.
અમદાવાદમાં ટ્યુશન કલાસિસના શિક્ષકે વિદ્યાર્થીઓને કરી લાફાવાળી
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં 1 સપ્ટેમ્બર 2025ના રોજ એક ટ્યૂશન ક્લાસીસના શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટના બની હતી. એના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ ક્લાસીસની બહારના ભાગે બેસીને અભ્યાસ કરતા હતા ત્યારે કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલા પટેલ વેબ સોલ્યુશન્સ નામના ક્લાસીસના શિક્ષક દ્વારા નીચે આવીને બે વિદ્યાર્થીને લાફાવાળી કરવામાં આવી હતી. આ સમગ્ર માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાના પગલે તેને તાવ પણ આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોમ્પ્લેક્સના જ ત્રીજા માળે આવેલા પટેલ વેબ સોલ્યુશન્સના શિક્ષક આશિષ અગ્રવાલે બહાર બેઠેલા એક વિદ્યાર્થીને પહેલા માર માર્યો હતો.
શિક્ષકે વિદ્યાર્થીને બેથી ત્રણ લાફા માર્યા બાદ બીજી તરફ બેઠેલા વેપારીના પુત્રને પણ એક બાદ એક 8 લાફા માર્યા હતા. બે વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાનો અવાજ આવતાં વિનાયક ક્લાસીસના શિક્ષક પણ બહાર દોડી આવ્યા હતા. ક્લાસીસના શિક્ષકે આશિષ અગ્રવાલને રોક્યા હતા અને કેમ મારો છો એમ પૂછ્યું હતું. બાદમાં વેપારીના પુત્રને માર મારવામાં આવતાં ક્લાસીસના શિક્ષકે વેપારીને ફોન કરીને તમારા પુત્રને પટેલ વેબ સોલ્યુશન્સ ક્લાસીસના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની જાણ કરી હતી. જેથી વેપારી તાત્કાલિક ક્લાસીસ ઉપર પહોંચ્યા હતા.