કંડલા ‘સેઝ’માંથી થયેલી ચોરી મામલે આરોપીઓ સામે સંગઠિત ગુનાની કલમ હેઠળ નોંધાતો ગુનો
ગાંધીધામના કાસેઝમાંથી કપડાઓની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરાઈ હોવાની ફરિયાદ સપ્તાહ અગાઉજ પોલીસ ચોપડે ચડી હતી. જે કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને બે કિડાણાના શખ્સને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. ત્યારે ત્રીજા આરોપીની પણ અટક કરાતા નવા કાયદાની બીએનએસ કલમ તળે કાર્યવાહી કરાઅ સંગઠીત અપરાધનો ગુનો દાખલ કરાયો હતો.
ગાંધીધામ બી ડિવીઝન પોલીસે આરોપી ફરિદ ઉર્ફે પૈકો ઈબ્રાહિમ કટીયા (ઉ.વ.20) (રહે. 100 ચોરસ વાર પ્લોટ, કિડાણા) અને સાહિલ ઉર્ફે પી. એ ફરિદ શેખ (ઉ.વ.21) (રહે. શીવધારા સોસાયટી, કિડાણા) ને ઝડપી પાડ્યા હતા. તો આ કાર્યવાહીમાં મહેબુબ સુલેમાન મથડા (ઉ.વ.25) (રહે. ચોરસ વાર પ્લોટ, કિડાણા) પાસેથી અલગ અલગ 300 કિલોગ્રામના કપડા જેમાં શર્ટ, પેન્ટ, ટીશર્ટ, સ્વેટર, હુડી મળીને કુલ 1.50 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.
આ કેસમાં પકડવાનો બાકી રહેલા આરોપી અલ્તાફ રમજાન કકલ (રહે કિડાણા) સામે પણ ગુનો નોંધાયો હતો. ગત 1 જાન્યુઆરી, 2025ના બન્ને આરોપીઓ સામે કાસેઝમાં આવેલી સ્ટાર સાઈન પ્રા.લી. કંપનીમાંથી ચોરી કર્યાનું ખુલતા ફરી અટક કરાઈ હતી. આ કામગીરી ગાંધીધામ બી ડિવીઝન પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરાઈ હતી.
ચારેય આરોપીનો છે લાંબો ગુન્હાહિત ઈતિહાસ
ચારેય આરોપીઓ લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, આરોપી ફરીદ સામે 2023-થ24માં અલગ અલગ ઘરફોડ ચોરીના 5 ગુનાઓ નોંધાયેલા છે તો આરોપી સાહિત સામે આજ સમયગાળા દરમ્યાન ઘરફોડ ચોરીના બે ગુના નોંધાયેલા છે. તો મહેબુબ મથડા સામે ગાંધીધામ બી ડિવી.માં ચાર અને કંડલા મરીનમાં એક તેમજ ન પકડાયેલા આરોપી અલ્તાફ ઉર્ફે કારો રમજાન કકલ સામે ગાંધીધામ બી ડિવીઝનમાંજ ગુજસીટોક સહિત 8 ગુના નોંધાયેલા છે.