ગઢડા(સ્વામી)ના સખપર ગામે યુવકના આપઘાત અંગે છ સામે ગુનો નોંધાયો
ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો છે. 35 વર્ષીય નાગજીભાઈ લખમણભાઈ ડેરવાળીયાએ 26 જૂન 2025ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં મૃતકની પત્નીએ છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
મૃતક નાગજીભાઈ ઉગામેડી ગામે ભાવેશભાઈ વશરામભાઈ કળથીયાના કારખાનામાં કમિશન આધારિત કામ કરતા હતા. કારખાનાના માલિક ભાવેશભાઈ કારીગરોનો પગાર ચૂકવતા ન હતા અને સતત ત્રાસ આપતા હતા. મૃતકે અન્ય ચાર વ્યક્તિઓ પાસેથી 5થી 10 ટકા વ્યાજે નાણાં લીધા હતા. આ વ્યાજખોરો પણ તેમને સતત હેરાન કરતા હતા. આ બધા કારણોસર નાગજીભાઈ માનસિક તણાવમાં હતા.
મૃતકના મોબાઈલમાંથી મળેલા વોટ્સએપ મેસેજના આધારે તેમની પત્ની આશાબેન નાગજીભાઈ ડેરવાળીયાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભાવેશ વશરામ કળથીયા, જયેશ ગોલાણી, દેવકરણ હનુ મારૂૂ, કાળુ ગોવાળિયા, શૈલેન્દ્રસિંહ ડોડીયા અને પરબતભાઈ વઢેળ સામે આજીવન કારાવાસની જોગવાઈ વાળી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.