અમૂલ દૂધમાં કેમિકલ-જંતુનાશકો ભેળવાતા હોવાનો વીડિયો મૂકનાર રાજકોટના ડોકટર સામે ગુનો નોંધાયો
ડો.હિતેશ જાનીએ અમૂલ દૂધમાં ભેળસેળના અતિ ગંભીર આક્ષેપ કર્યા હતા, GCMMFL દ્વારા ચાંદખેડામાં ફરિયાદ નોંધાવાઇ
એશિયાની સૌથી મોટી અને જાણીતી દૂધની ડેરી એવી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની અમૂલ ડેરીને નુકસાન થાય તેવા ઈરાદાથી રાજકોટના ડો. હિતેશ જાની દ્વારા સોશિયલ મીડિયામાં તમારા ઘરે કેવું દૂધ આવે છે, તમે જાણો છો? તેમાં અમૂલ દૂધ બ્રાન્ડ અંગેના ખોટા આક્ષેપો કરવામાં આવતા આ મામલે અમૂલ કંપનીના ક્વોલિટી એશ્યોરન્સના આસિસ્ટન્ટ મેનેજરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ન્યુ સીજી રોડ પર નિર્મલ સિગ્નેચરમાં રહેતા આકાશ પૂરોહિત ગાંધીનગર ભાત ખાતે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના ક્વોલિટી એસ્યોરન્સના આસિસ્ટન્ટ મેનેજર તરીકે બે વર્ષથી ફરજ બજાવે છે. તેઓને અમૂલ ડેરીની તમામ પ્રોડક્ટની ગુણવત્તાની દેખરેખ રાખવાની જવાબદારી છે.
ચાર દિવસ પહેલા આકાશના મોબાઈલમાં યુ-ટ્યુબમાં એક વીડિયો જોયો હતો, જેમાં ડો. હિતેશ જાની દ્વારા તેઓની ચેનલ ઉપર દૂધની પ્રોસેસિંગ અંગેનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયો અંગે જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે સોશિયલ મીડિયા ફેસબુકમાં પણ અપલોડ થયેલો જોવા મળ્યો હતો. તમારા ઘરે કેવું દૂધ આવે છે એ જાણો છો? તેનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં ડો. હિતેશ જાની દ્વારા અમૂલ દૂધને નિશાન બનાવીને ખોટી અને ભ્રમિત વાતો કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા વીડિયોમાં દૂધમાં 22 પ્રકારના કેમિકલ ઉમેરાય છે. ડીડીટી જેવા પ્રતિબંધિત કીટનાશક દૂધમાં નખાય છે. સોડિયમ બેન્ઝોએટ અને અન્ય ઇમ્લિસફાયર વેચાણ પહેલા નિયમિતપણે દૂધમાં ભેળવવામાં આવે છે. દૂધ સાત દિવસ જૂનું હોય છે. પાઉચમાં 500 મિલી લખેલું હોવા છતાં 480- 490 મિલી ભરાય છે. અમૂલ ગ્રાહકોને છેતરપિંડી કરી નફાખોરી કરે છે. ISI-FSSAI સ્ટેમ્પ ઉત્પાદન ધરાવતા ઉત્પાદનો પણ અસુરક્ષિત છે અને અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. આ સિસ્ટમ કથિત રીતે વિદેશી (અમેરિક) ડિઝાઈન છે જે બહારથી નિયંત્રિત થાય છે. કાયદો બદલવા માટે મારે ધારાસભ્યો બનવું પડશે, એમ કહીને ષડયંત્ર બહાર લાવવા માટે વીડિયો વાઇયરલ કરો વગેરે ભ્રમિત વાતો કરી સોશિયલ મીડિયા મારફતે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અમૂલ બ્રાન્ડની બદનામી કરવામાં આવી છે.
ડો. હિતેશ જાની પોતે ડોક્ટર હોવા છતાં આવી ભ્રમિત વાતો કરે તો લોકોમાં ભય પેદા થાય અને નાગરિકોમાં ભય-અવિશ્વાસ ફેલાય, જેથી અમૂલ બ્રાન્ડ પર ખોટા અક્ષેપો કરી સહકારી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે. તેમજ વિદેશી નિયંત્રણના ખોટા દાવા દ્વારા ભારતીય સહકારી આંદોલન વિરુદ્ધ શંકા અને વિભાજન થાય તેવું જાણતા હોવા છતાં યુ-ટ્યુબ ચેનલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમૂલ બ્રાન્ડની બદનામી કરી વીડિયો વાઇરલ કરવામાં આવતા આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી.
