80 ફૂટ રોડ ઉપર અકસ્માત થતાં કારચાલકને બાઈકસવારે માર માર્યો
શહેરમાં 80 ફુટ રોડ પર અકસ્માત સર્જતા બાઈક સવાર શખ્સોએ કાર ચાલકને માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, આજી વસાહત વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં રહેતાં હમીરભાઈ મેઘજીભાઈ મકવાણા નામના 53 વર્ષના આધેડ પોતાની કાર લઈ 80 ફુટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે કાર બાઈકને અડી જતાં સામાન્ય અકસ્માત થયો હતો.
જેથી બાઈક સવાર શખસોએ ઉશ્કેરાઈ જઈ કાર ચાલક હમીરભાઈ મકવાણાને માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા ગવરીદળ ગામે રહેતી રિનાબેન નવીનભાઈ નાયકા નામની 16 વર્ષની સગીરા બપોરના ચારેક વાગ્યાના અરસામાં વાડીએ હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શિતળાધાર વિસ્તારમાં રહેતાં રાજેશ પ્રસાદ કૈવર નામના 60 વર્ષના વૃધ્ધ રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે જમાઈ જશુ સહિતના ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.