ઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન પર કોલ કરી બિભત્સ માંગણી કરી
ઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન ફોન પર અજાણ્યા શખ્સ દ્વારા બીભત્સ માંગણી કરી પરેશાન કરવામાં આવતા પોલીસ માં અધિક્ષકે લેખિત ફરિયાદ આપેલ છે. આ મામલે હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકે ઉના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે.
હોસ્પિટલના લેન્ડલાઇન ફોન પર છેલ્લા ઘણા સમયથી નર્સિંગ મહિલા સ્ટાફને ગાળો ભાંડી બીભત્સ માંગણીઓ કરવામાં આવતી હતી. જાહેર જનતાના ઉપયોગ અને ઇમરજન્સી હેતુ માટે રાખવામાં આવેલી આ ફોન સુવિધાનો દુરુપયોગ કરીને મહિલા કર્મચારીઓને હેરાન કરવામાં આવતા હતા.
લાંબા સમયથી આ પ્રકારની પજવણી થતી હોવા છતાં ફોન કરનારનો નંબર ન આવતો હોવાથી સ્ટાફ ત્રાસ સહન કરી રહ્યો હતો. જોકે, તાજેતરમાં ઇમરજન્સી વોર્ડમાં નવો ડિજિટલ ડિસ્પ્લે ફોન મૂકવામાં આવતા ફોન કરનાર વ્યક્તિનો નંબર મહિલા નર્સિંગ સ્ટાફને મળ્યો હતો. સ્ટાફે તરત જ તેનો સ્ક્રીનશોટ લઈ લીધો હતો.
આ ઘટના બનતા ફરજ પરની ત્રણ નર્સિંગ મહિલા કર્મચારીઓએ તેમના ઉપલા અધિકારી મહિલા સુપ્રિટેન્ડેન્ટ જી.બી. હળપતિને જાણ કરી હતી. હળપતિએ આ અંગે ઉનાના ઇન્ચાર્જ અધિક્ષક મિત ડોડીયાને લેખિતમાં જાણ કરતા તેમણે ઉના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે સ્ક્રીનશોટમાં મળેલા નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
