એરપોર્ટ રોડ ઉપરથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો ટૂર્સ-ટ્રાવેલ્સનો ધંધાર્થી ઝડપાયો
શહેરના એરપોર્ટ રોડ ઉપર શિવાનંદ ગાર્ડન પાસેથી પીસીબીની ટીમે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મહિલા ટી-20 મેચમાં સટ્ટો રમતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીને ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં અમદાવાદના બુકીનું નામ ખુલ્યું છે. તેની પાસેથી આઈડી લીધું હોવાની વેપારીએ કબુલ્યું હતું. મળતી વિગતો મુજબ પીસીબીના પીએસઆઈ એમ.જે. હુણની ટીમના હેડકોન્સ્ટેબલ કરણભાઈ મારુને મળેલી બાતમીના આધારે એરપોર્ટ રોડ ઉપર શિવાનંદ ગાર્ડન પાસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી રાજકોટના જામનગર રોડ ઉપર વાંકાનેર સોસાયટી નજીક ઓપર સીટી એપાર્ટમેન્ટ બ્લોક નં. 403માં રહેતા પ્રિતેશ ઉર્ફે પીટી સુધીરકુમાર પંડ્યા ઉ.વ.41 ની ધરપકડ કરી હતી.
ઝડપાયેલો પ્રિતેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતો હોય અને તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતા મહિલા ક્રિકોટ ટી-20માં એલીફન્ટ 777 નામની આઈડીમાંથી ક્રિકેટના મેચ ઉપર રનફેરનો જુગાર રમતો હતો. પીસીબીની ટીમે મોબાઈલ કબ્જે લઈ પુછપરછ અને તપાસ કરતા આ આઈડી અમદાવાદના બુકી પાસેથી પ્રિતેશે લીધું હોવાનું તેણે કબુલ્યું હતું. જેના આધારે અમદાવાદના બુકીની શોધખોળ શરૂ કરાઈ છે.