પડધરીના ખામટા ગામના વેપારીનું ચાલુ બાઈકે બ્રેઈન સ્ટ્રોક આવતાં મોત
જેતપુર નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડ્યો
પડધરી તાલુકાના ખામટા ગામે રહેતા વેપારી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પડધરી બાયપાસ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ચાલુ બાઈકે બ્રેઇન સ્ટ્રોક આવતા વેપારી બેશુદ્ધ હાલતમાં ઢળી પડ્યા હતા. વેપારીનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના ખામટા ગામે રહેતા ચંદુભાઈ રામજીભાઈ સંચાણીયા નામના 60 વર્ષના વૃદ્ધ પાંચ દિવસ પૂર્વે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને પડધરી બાયપાસ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ચાલુ બાઇકે બ્રેઇન સ્ટોક આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે પડધરી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચંદુભાઈ એકની એક બહેનના એકના એક ભાઈ હતા અને અપરિણીત હતા. ચંદુભાઈ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ચંદુભાઈ સંચાણીયા રાજકોટથી પડધરી જઈ રહ્યા હતા. ત્યારે ચાલુ બાઈકે બ્રેઇન સ્ટોક આવતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં જેતપુરમાં આવેલા યોગીનગરમાં રહેતા પ્રફુલગીરી જીવણગીરી અપારનાથી નામના 54 વર્ષના આધેડ પોતાનું બાઈક લઈને ભાદર પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક અકસ્માતમાં ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આધેડનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં પ્રફુલગીરી અપારનાથીને સંતાનમાં બે પુત્ર છે અને મજૂરી કામ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.