ભાવનગરના વેપારીએ બીટકોઇનમાં રોકાણથી તગડા નફાની લાલચમાં આવી એક કરોડ ગુમાવ્યા
શરૂઆતમાં વળતર આપ્યા બાદ રોકાણના નામે અલગ-અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઇ આચરી
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા યુવાન સાથે ટેલીગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક કરી બીટકોઇનમાં રોકાણ કરવાથી તગડો નફો થશે તેવી લાલચ આપી અલગ અલગ બેંક ખાતામાં રૂૂ.1.08 કરોડ ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી કરવામાં આવતા યુવાને ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના સુભાષનગર વર્ષા સોસાયટીમાં રહેતા અને લોજિસ્ટિકનો વેપાર કરતા દિપેશભાઈ લાલજીભાઈ સોલંકી ગત તા.14 ડિસેમ્બર,2024ના રોજ ધંધાના કામે ભૂતેશ્વર જતા હતા.ત્યારે તેમના ટેલીગ્રામ એપ પર પ્રિયા અગ્રવાલ નામથી આવેલાં મેસેજમાં બીટકોઇનમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી વિગત અને લિંક આપવામાં આવી હતી. આ અંગે દિપેશભાઈએ તેમના મિત્ર આદિલભાઈ સાથે વાત કર્યા બાદ બંનેએ ભાગીદારીમાં રોકાણ કરવાનું નક્કી કરી આદિલભાઈના નામથી લિંકમાં ખાતું ખોલાવી રૂૂ.બે લાખનું રોકાણ કર્યું હતું.જમા નફામાંથી 50 યુએસ ડોલરનોે ઉપાડ પણ કરવા દીધો હતો.
જો કે, રોકાણ સામે નફો મળતા તેમણે પ્રિયા અગ્રવાલ અને કસ્ટમર હેલ્પ નંબરના કહેવાથી અલગ અલગ સમયે ક્રમશ રૂૂા.1,08,94,746નું રોકાણ કર્યું હતું.રોકાણ કર્યા બાદ જમા બતાવતી નફાની રકમ ઉપાડવા માટે રિકવેસ્ટ કરવામાં આવતા મની લોન્ડરીંગ સહિતની બાબતો આગળ કરી રકમ ઉપાડવા દીધી ન હતી,તેમજ રકમ મેળવવા માટે કેપિટલ ગેઇન ટેક્સ,રેગ્યુલેટરી માજન, પેનલ્ટી સહિતના નામે અલગ-અલગ બેંક ખાતામાં રૂૂા.1,08,94,746 રૂૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.જો કે બાદમાં નફો અને રોકાણ પરત ન મળતાં દિપેશભાઈને રૂૂા.1,08,94,746ની છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનું જણાયું હતું. તેમણે આ અંગે ભાવનગર સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.