રાજકોટમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો ગોંડલના બુકીનો સાગરીત ઝડપાયો
શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેઈટ પાસે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી રાજકોટમાં ગોંડલના બુકીનું ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા તેના સાગરીતને ઝડપી લઈ મોબાઈલ કબ્જે કર્યો છે. જેમાં બુકી દ્વારા અપાયેલા માસ્ટર આઈડીની મદદથી પંટરોને આઈડી આપ્યાનું ખુલ્યું છે. જે મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રંચના એએસઆઈ બલભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એમ.આર. ગોંડલિયાની સૂચનાથી ક્રાઈમ બ્રાંચની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેઈટ પાસે બીટી સવાણી હોિસ્પિટલ તરફ જતા રોડ ઉપર મુળ ગોંડલના ભગવતપરા શેરી નં. 23/6ના વતની અને હાલ સાધુવાસવાણી રોડ ઉપર પ્રશિલ પાર્કમાં રહેતા અહેમદ હનીફ નામલબંધની ધરપકડ કરી હતી. તેની પાસેથી મોબાઈલમાં દાદા 09.કોમ નામનું માસ્ટર આઈડી મળી આવ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, ગોંડલના પ્રદ્યુમન ઉર્ફે પદુભા ડોડિયાનો અહેમદ સાગરિત હોય પ્રદ્યુમનસિંહ પોતે બુકી હોય અને તેને અહેમદને માસ્ટર આઈડી આપ્યા બાદ રાજકોટમાં અહેમદે નાના પંટરોને 10 હજારથી લઈ એક લાખ સુધીની આઈડી આપી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક શરૂકર્યુ હતું. પોલીસે અહેમદની ધરપકડ કરી પ્રદ્યુમન ડોડિયાની શોધખોળ શરૂ કરી છે. તેમજ અહેમદ પાસેથી આઈડી લેનાર પન્ટરોની પણ યાદી તૈયાર કરી વધુ તપાસ શરૂ કરી છે.