ટંકારા નજીક ફિલ્મીઢબે 90 લાખની લૂંટ
ટોળકીને પકડવા પોલીસનું ફાયરીંગ
રાજકોટના આંગડિયા પેઢીના માલિકને આંતરી 7 લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર થયા બાદ બે શખ્સો સકંજામાં, ભાવનગર કનેક્શન ખુલ્યુ
રાજકોટ મોરબી હાઈવે ઉપર ટંકારા નજીક રાજકોટની આંગડિયા પેઢીના માલીકને આંતરી ફિલ્મીઢબે રૂા. 90 લાખની લૂંટ ચલાવી ટોળકી ભાગી છૂટી હતી. પોલીસે લૂંટારૂ ટોળકીને પકડવા નાકાબંધી કરી હતી. ત્યારે મોરબી નજીક લૂંટારુને પકડવા પોલીસે ફિલ્મી ચેઝ કરી ફાયરીંગ કરી ટોળકીના બે સાગ્રીતોને ઝડપી લઈ અન્યોની શોધખોળ શરૂ કરી છે. આ લૂંટમાં કોણે ટીપ આપી તે મામલે વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
ટંકારા નજીક બજ્ઞેલા આ ધાડની ઘટના અંગે ડીવાયએસપી સમીર સારડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢી ચલાવતા નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી બુધવારે ધંધાના કામે 90 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ જઈ રહ્યા હતા. ત્યારે ટંકારા નજીક એક પોલો અને એક બલેનો કારના ચાલકે તેમની કારનો પીછો કર્યો હતો.
ખજૂરા હોટલ પાસે તેમની કારને પાછળથી જોરદાર ટક્કર મારતા, નિલેશભાઈની કાર ડિવાઈડર કૂદી ગઈ હતી.બીજી તરફ, બંને કારમાં સવાર સાત જેટલા શખ્સોએ કારને ટક્કર માર્યા બાદ ધોકા સાથે ગાડી પર ધસી આવી કારના કાચ તોડી નાખ્યા હતા. જોકે, આંગડિયા પેઢીના માલિક નિલેશભાઈ ભાલોડીના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી કારને ખજૂરા હોટલ નજીક વાળી લેતા, ધાડપાડુઓ નીચે ઉતરી આવ્યા હતા. તેમણે કારનો પાછળનો દરવાજો ખોલીને 90 લાખ રૂૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી હતી અને ઘટનાસ્થળે પોતાની નંબર પ્લેટ વગરની અકસ્માતગ્રસ્ત પોલો કાર છોડી અન્ય બલેનો કારમાં રોકડ લઈને નાસી ગયા હતા.
આ ઘટનામાં જાણભેદુ શખ્સો જ સંડોવાયેલા હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. જે રીતે આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરવામાં આવ્યો અને જે રીતે સમયસર રોકડ રકમ લૂંટવામાં આવી, તે જોતા લૂંટને અંજામ આપનારા લોકોએ આંગડિયા પેઢીના માલિકની સંપૂર્ણ રેકી કરી હોવાનું સ્પષ્ટ બન્યું છે. ધાડપાડુઓએ ફિલ્મી સ્ટાઈલથી ચાલુ ગાડીએ જ ટક્કર મારીને ફૂલ પ્રૂફ પ્લાન સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ધાડપાડુઓ રોકડ રકમ લઈને નાસી ગયા ત્યારે આંગડિયા પેઢીના માલિક અને ડ્રાઇવર પોતાનો જીવ બચાવવા કાર રેઢી મૂકીને દૂર જતા રહ્યા હતા.
ઘટના બાદ તરત જ પોલીસે નાકાબંધી કરી હતી. અંજામ આપનાર સાત આરોપીઓ પૈકી બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. એટલું જ નહીં, તેમની પાસેથી રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક ભાવનગરનો ભરવાડ અને બીજો બ્રાહ્મણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.