દોઢસો કરોડની છેતરપિંડી કરનાર ત્રિપુટીના ઘરમાંથી 82 રબ્બર સ્ટેમ્પ ઝડપાયા
ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી- બોગસ દસ્તાવેજ બનાવનાર તથા બોગસ હથીયાર લાઇસન્સના ગુન્હાના 3 ફરારી આરોપીઓને જામનગરની એસ.ઓ.જી. શાખા ની ટીમેં વોચ ગોઠવી કચ્છમાંથી પકડી પાડ્યા છે.
જે ત્રણેય આરોપીઓના ઘરની તપાસ કરવામાં આવતાં તેઓના ઘરમાંથી જુદી જુદી પેઢીના 82 જેટલા રબર સ્ટેમ્પ મળી આવ્યા છે જે કબજે કરી લેવાયા છે, ઉપરાંત બે આરોપીઓ સામે અગાઉ સાત સાત ગુના નોંધાયા છે, જ્યારે એક આરોપી સામે બે ગુના નોંધાયા છે.
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટીમે કચ્છમાંથી ઝડપી પાડેલા જામનગરના ત્રણ આરોપીઓ સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ભરતસિંહ સોઢા તથા વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા કે જેઓ દ્વારા જામનગર શહેરમાં અલગ અલગ 82 જેટલી પેઢી બનાવી લેવામાં આવી છે.
જે પૈકી મુખ્ય ત્રણ પેઢી મારફતે અંદાજે 160 કરોડ નું બોગસ ટર્નઓવર કરી લેવાયું હતું, અને તેના માધ્યમથી સરકાર પાસેથી 30 કરોડના બોગસ ઇનપુટ પણ મેળવી લેવાયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
હાલ પોલીસ દ્વારા તેઓના ઘરમાંથી ઝડતી દરમિયાન કુલ 82 નંગ જુદી જુદી પેઢીના રબર સ્ટેમ્પ કબજે કરવામાં આવ્યા છે, અને તે તમામ પેઢીની ઊંડાણ પૂર્વક ની તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત 15,50,000ની રોકડ પણ કબજે કરાઈ છે.
ઉપરોક્ત ત્રિપુટી સામે સુરતમાં પણ બોગસ દસ્તાવેજ ના આધારે હથીયાર લાયસન્સ મેળવી લેવા અંગેનો ગુન્હો નોંધાયો છે.
ઉપરાંત જામનગર જિલ્લામાં મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢા સામે અલગ અલગ સાત ગુના, જ્યારે વનરાજસિંહ વાળા સામે પણ સાત ગુના નોંધાયા છે. જ્યારે સત્યજીતસિંહ જાડેજા સામે વધુ બે ગુન્હા નોંધાયા છે.