મારા ભાઇ વિરુધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાવી લે’ કહી ડેરી સંચાલક ઉપર 8 શખ્સોનો હુમલો
જસદણ તાલુકાના કનેસરા ગામનો ડેરી સંચાલક યુવાન રાજકોટથી દુધ ખાલી કરી પરત જતો હતો ત્યારે લાખાપર ગામ પાસે આંતરી બે કારમાં ધસી આવેલા આઠ શખ્સોએ ‘મારા ભાઇ વિરૂધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરીયાદ પાછી ખેંચાવી લે’ તેમ કહી લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ કનેસરા ગામે રહેતા 42 વર્ષીય ડેરી સંચાલક યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા ગૌતમ રૂડાભાઇ મેવાડા, દિપક હીદાભાઇ મેવાડા, હિતેશ ભીખાભાઇ મેવાડા, નિલેશ મેવાડા, ભીખાભાઇ સીધાભાઇ, વિરમ સીદાભાઇ, સીઘ નાથાભાઇ અને વિક્રમ રૂડાભાઇના નામ આપ્યા છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે તેઓ પોતાની ગાડી લઇ રાજકોટ દુધ ખાલી કરી પરત જતા હતા ત્યારે લાખાપર ગામ નજીક પહોંચતા બે કારમાં ધસી આવેલા આરોપીઓએ તેમને આંતરી આરોપી ગૌતમે ‘તે મારા ભાઇ વિપુલ વિરૂધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરીયાદ પાછી ખેંચાવી લે’ તેમ કહી તમામ આરોપીઓએ હુમલો કરી ઢીકાપાટુ અને લોખંડના પાઇપ વડે માર મારતા હાથ અને પગમાં ઇજા થતા તેઓ બેભાન થઇ ઢળી પડયા હતા.દરમિયાન લોકોના ટોળા એકઠા થઇ જતા આરોપીઓ કાર લઇ નાશી છુટયા હતા.
જેથી 108માં તેમને સારવાર માટે પ્રથમ સિવિલ બાદ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તબીબો દ્વારા તેમને હાથ અને પગમાં ફેકચર થયાનું જાણવા મળ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના કાકીએ આરોપીના ભાઇ વિપુલ વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ કરી હોય જેથી ફરીયાદ પાછી ખેંચી લેવાનું કહી હુમલો કર્યો હતો.