સોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડી
રેગ્યુલર વ્યવહાર કરતા ગ્રાહકના નામે ફોન કરી ચીટર ટોળકીએ નાણાં જમા કરાવ્યા વગર હવાલો પાડી આંગડિયાની દિલ્હી ઓફિસેથી પૈસા ઉપાડી લીધા
ગ્રાહકે પોતે ફોન નહીં કર્યાનું જણાવતા ભાંડો ફૂટ્યો, LCB ઝોન-2ને તપાસ સોંપાઈ
શહેરના સોનીબજારમાં આવેલી ઈશ્ર્વર સોમા આંગડિયાપેઢી સાથે રૂા. 72 લાખની છેતરપીંડી થતાં સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. આ અંગે એલસીબી ઝોન-2ને તપાસ સોંપવામાં આવી છે. સોનીબજારમાં આવેલી આંગડિયાપેઢીમાં રેગ્યુલર આર્થિક વ્યવહાર કરતા એક ગ્રાહકના નામે ફોન કરી દિલ્હીની ઓફિસે રૂા. 72 લાખનો હવાલો પડાવવામાં આવ્યો હતો. જેની ડિલેવરી દિલ્હી ઓફિસેથી લઈ લેવામાં આવી હતી. જ્યારે ગાહક કે પોતે ફોન નહીં કર્યાનું આંગડિયા પેઢીના માલીકને જાણવા મળતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. અને આ અંગે એલસીબી ઝોન-2ની ટીમે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ શહેરમાં આવેલી સોનીબજારમાં ઈશ્ર્વર સોમા આંગડિયાપેઢી ધરાવતા જસ્મીન પટેલે આ બાબતે આજે પોલીસને ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યુ ંહતું કે, તે છેલ્લા ઘણા વખતથી સોની બજારમાં આંગડિયાપેઢી ધરાવે છે અને સોનીબજારના અનેક વેપારીઓ તેમજ ગ્રાહકો પાસેથી આર્થિક વહીવટ કરતા હોય જેમાં મોટાભાગે આંગડિયાપેઢીમાં રૂપિયા જમા કરાવ્યા બાદ હવાલા માટેની કાર્યવાહી કરાવમાં આવે છે. પરંતુ ત્રણ દિવસ પૂર્વે આંગડિયાપેઢીમાં બનેલા આ બનાવથી આંગડિયાપેઢીમાં સંચાલકને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
સોનીબજારમાં આવેલી આંગડિયાપેઢીમાં ત્રણ દિવસ પૂર્વે તેમના એક રેગ્યુલર ગ્રાહકનો ફોન આવ્યો હતો અને ફોન કરનારે ઓળખ આપી તાત્કાલીક દિલ્હી ખાતે 72 લાખ રૂપિયાનો હવાલો કરાવ્યો હતો. આ ગ્રાહક અવાર નવાર આંગડિયાપેઢી સાથે આર્થિક વ્યવહા કરતા હોય જેથી આ આંગડિયાપેઢીના માલીકે દિલ્હીમાં 72 લાખ રૂપિયા પોતાની બ્રાંચમાં હવાલો આપ્યો હતો અને તે રકમ દિલ્હીની ઓફિસેથી ઉપાડી લેવામાં આવી હતી. બીજા દિવસે જ્યારે આંગડિયાના માલિકે 72 લાખ રૂપિયાનો હવાલો આપનાર ગાહકને ફોન કરતા આ ગ્રાહકે પોતે ફોન કર્યો જ નહીં હોવાનું જણાવતા આંગડિયા પેઢીના માલીક ચોંકી ઉઠ્યા હતાં.
સમગ્ર મામલે આંગડિયાના સંચાલકે સામકાંઠાના એક રાજકીય અગ્રણીની મદદથી પોલીસની મદદ માંગી હતી અને આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળ્યા હતાં અને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી આ મામલાને લઈને એલસીબી ઝોન-2 નેતપાસ સોંપવામાં આવી છે. સમગ્ર મામલામાં તથ્ય કેટલું તે જાણવા એલસીબીની ટીમે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, આશરે 10 માસ પૂર્વે પણ સાંગળવા ચોકમાં આવેલ એક આંગડિયાપેઢીમાં આજ મોડેસ ઓપેન્ડીથી છેતરપીંડી થઈ હતી. જેમાં જામનગર રોડ ઉપર શેઠ નગરના શખ્સે કે જે નિયમીત નાણા ટ્રાન્સફર કરાવતો હોય તેણે આ આંગડિયા પેઢીને રૂા. 61.30 લાખનો હવાલો કરાવ્યા બાદ હાથ ઉંચા કરી દીધા હતાં. રાજકોટની આંગડિયા પેઢી સાથે બનેલા આ બનાવને લઈને સોની બજારની અને દિલ્હી ખાતે આવેલી આંગડિયાપેઢીમાં તપાસ કેન્દ્રીત કરાઈ છે.
દિલ્હીની બ્રાંચના CCTV ઉપર તપાસ કેન્દ્રિત
સોનીબજારમાં આવેલ ઈશ્ર્વરસોમા આંગડિયાપેઢીમાં 72 લાખનો હવાલો પડાવી દિલ્હીથી આ રકમ ઉપાડી લેવાના પ્રકરણમાં એલસીબી ઝોન-2ની ટીમને તપાસ સોંપવામાં આવી છ ે. ત્યારે આ મામલાને લઈને પોલીસે હાલ સોનીબજારમાં આવેલ ઈશ્ર્વર સોમા આંગડિયાપેઢીના સંચાલકના મોબાઈલ નંબરના કોલડિટેઈલ તેમજ દિલ્હી ઓફિસ ખાતેના સીસીટીવી ઉપર તપાસ કેન્દ્રીત કરી છે. આ મામલામાં દિલ્હી ઓફિસેથી જે વ્યક્તિ 72 લાખ રૂપિયા ઉપાડીને ગઈ તેના સીસીટીવી ફૂટેજ દિલ્હીથી મંગાવવામાં આવ્યા છે અને બીજી તરફ કોલડિટેલમાં પેઢીના સંચાલક જસ્મીનભાઈને ફોન કરનાર વ્યક્તિ કોણ તે બાબતે તપાસ ચાલુ કરાઈ છે. આ મામલામાં દિલ્હીની ઠગ ટોળકીની સંડોવણી હોવાનું શંકા વ્યક્ત કરવાામાં આવી છે.