રૂખડિયાપરામાં પુત્રના મિત્ર સહિત 7 શખ્સોએ આતંક મચાવી કાચની બોટલોના ઘા ર્ક્યા: યુવતીને ઇજા
પુત્રને આરોપી સાથે જવાની ના પાડતા ડખો: ફરિયાદ કરશો તો રહેવું ભારે પડશે કહી ધમકી આપી: રાયોટિંગનો ગુનો નોંધાયો
શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં પુત્રના મિત્ર સહિત 7 શખ્સોએ આંતક મચાવી મકાન ઉપર કાચની બોટલના ઘા કરતા યુવતીને ઇજા પહોંચી હતી. પુત્રને આરોપી સાથે જવાની ના પાડ્યાનો ખાર રાખી તેના મિત્રો સહિતના શખ્સોએ મોડી રાત્રે ઘરે આવી ધમાલ મચાવી હતી અને પોલીસ ફરિયાદ કરશો તો રહેવું ભારે પડશે તેમ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે યુવતીની ફરિયાદ પરથી આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ સહિતની ક્લમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રૂખડીયાપરામાં રહેતી આરજુ સલીમભાઇ જસરાયા (ઉ.વ.19) નામની યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સમીર ઉર્ફે ધમો બસીરભાઇ શેખ, અસ્લમ ઉર્ફે સર્કીટ બસીરભાઇ શેખ, ઝહીર મહમદ ઉર્ફે રાજુ સંઘવાની, ઇસુભા ઉર્ફે ઇશોભા રીઝવાન દલ અને ત્રણ અજાણ્યા શખ્સો હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઇકાલે સાંજે પાંચ વાગે તેઓ ઘર પાસે હતા ત્યારે આરોપી સમીર ઉર્ફે ધમો તેનું બાઇક લઇને આવેલો અને યુવતીનો નાનો ભાઇ સમીર અને ધમો બન્ને ઉભા હોય દરમિયાન તેનો ભાઇ સમીર ધમા સાથે બાઇક ઉપર બહાર જતો હતો ત્યારે તેના માતા ફરિદાબેને પુત્રને ધમા સાથે જવાની ના પડતા આરોપી ધમાએ ગાળો આપી ત્યાંથી જતો રહ્યો હતો.
બાદમાં ગત મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં સમીર ઉર્ફે ધમો અન્ય આરોપીઓ સાથે તેના ઘર પાસે શેરીમાં ધસી આવ્યો હતો અને ગાળો બોલતો હતો. સમીરના હાથમાં છરી હતી તેણે પોલીસ ફરિયાદ કરશો તો રૂખડીયાપરામાં રહેવું ભારે પડશે તેમ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ફરિયાદી યુવતી અને તેના માતા ઘર બહાર નીકળતા આરોપીઓ કાચની બોટલોના છુટા ઘા કરતા હોય ફરીયાદી યુવતીને કપાળના ભાગે બોટલ વાગતા ઇજા થઇ હતી. જેથી તેને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પ્ર.નગર પોલીસે ઇજાગ્રસ્ત યુવતીની ફરિયાદ પરથી આરોપીઓ સામે રાયોટીંગ સહિતની ક્લમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.