મોરબીમાં જૂથ અથડામણમાં 7ને ઈજા, માતાજીના મઢમાં તોડફોડ
હનુમાનજીના મંદિરે ઝાડને પાણી પીવડાવતા યુવકને નશેડીએ ‘હાલ કુસ્તી કરવી છે’ તેવું કહેતા થયેલી બોલાચાલી બાદ બોલી બઘડાટી
મોરબીમાં આવેલા વીસીપરામાં હનુમાનજીના મંદિરે ઝાડને પાણી પીવડાતાં યુવકને નસેડી શખ્સે ‘ હાલ કુસ્તી કરવી છે’ તેવું કહેતા ઝઘડો થયો હતો. જે ઝઘડા બાદ નશેડી સહિતના શખ્સો યુવકના ઘરે ધસી ગયા હતાં. જ્યાં પરિવાર ઉપર છરી, ધારીયા વડે હુમલો કરી માતાજીના મઢમાં તોડફોડ કરી હતી. હુમલામાં એક જ પરિવારના છ સભ્યોને ઈજા પહોંચી હતી. જ્યારે સામાપક્ષે પણ યુવક ઘવાયો હતો. મારામારીમાં ઘવાયેલા સાતેય ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં આવેલા વીસીપરા વિસ્તારમાં રહેતાં ગોવિંદભાઈ ખીમજીભાઈ રાવા (ઉ.62) તેમના પત્ની કુંવરબેન રાવા (ઉ.60), પુત્ર મહેશ ગોવિંદભાઈ રાવા (ઉ.32), વિજય રાવા (ઉ.25), બાબુ રાવા (ઉ.34) અને જીગ્નેશ રાવા (ઉ.33) રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે દાઉદ, લતીફ અને રાયધન સહિતના અજાણ્યા 10 જેટલા શખ્સો ધારિયા અને છરી સાથે ધસી આવ્યા હતાં. હથિયાર સાથે આવેલા શખ્સોએ પરિવાર સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો.
હુમલામાં દંપતિ અને ચારેય પુત્રોને ઈજા પહોંચી હતી. જ્યારે વળતા પ્રહારમાં વિસીપરામાં જ રહેતાં રાયધન દાઉદભાઈ જામ (ઉ.21)ને ઈજા પહોંચી હતી. મારામારીમાં બન્ને પક્ષે ઘવાયેલા સાતેય ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં હુમલામાં ઘવાયેલ જીગ્નેશ રાવા હનુમાનજીના મંદિરે ઝાડને પાણી પાતો હતો ત્યારે હુમલાખોર દાઉદ દારૂના નશામાં ત્યાં ધસી આવ્યો હતો અને જીગ્નેશ રાવાને હાલ કુસ્તી કરવી છે તેવું કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં જે બોલાચાલીનો ખાર રાખી દાઉદ સહિતના શખ્સો જીગ્નેશ રાવાના ઘરે ધસી આવ્યા હતાં અને પરિવાર ઉપર હુમલો કરી માતાજીના મઢમાં અને ઘરમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.