બંધ ઘરમાંથી 60 તોલા સોનુ, 70 લાખ રોકડા અને 500 ગ્રામ ચાંદીની ચોરી
નડિયાદમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. લગ્ન પ્રસંગે પરિવારના તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરમાં લગ્ન પ્રસંગ નજીક હોવાથી ઘરમાં સોનું અને રોકડ રૂૂપિયા રાખવામાં આવ્યા હતા. આવામાં તસ્કરો સોના-ચાંદી, રોકડ સહિત સવા કરોડથી વધુની ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે નડિયાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નડિયાદ શહેરમાં તસ્કરો સવા કરોડથી વધુની ચોરી કરી પલાયન થયા છે. પરિવારજનો લગ્નમાં ગયા હતા ત્યારે રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરો 60 તોલા સોનું, 500 ગ્રામ ચાંદીના સિક્કા અને 70 લાખથી વધુની રોકડ લઈ પલાયન થઈ ગયા છે.
તસ્કરોએ કપડવંજ રોડ પર એસ.આર.પી કેમ્પ સામે આવેલ પ્રભુકૃપા સોસાયટીના મકાનને નિશાન બનાવ્યું હતું. લગ્ન પ્રસંગ હોવાથી સોનું તેમજ દીકરો વિદેશ જવાનો હોવાથી પરિવારે ઘરમાં લાખો રૂૂપિયાની રોકડ રાખી હતી.
મળતી માહિતી અનુસાર, રાત્રે 1 વાગ્યાની આસપાસ ઘરના મુખ્ય દરવાજાનો તાળા સાથે નકૂચો તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં તિજોરી, કબાટ ફેંદી કિંમતી ચીજ વસ્તુઓ લઈ ગયા હતા. ચહેરા પર નકાબ બાંધી ઘરમાં અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના અંગે નડિયાદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.