મોરબીમાં પ્રેમીએ બીજે લગ્ન કરી લેતા 50 વર્ષની મહિલાનો આપઘાત
મૃતક મહિલા પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી હતી અને એક વર્ષથી એક વ્યક્તિના પ્રેમમાં હતી
મોરબીના જૂના ઘૂટું રોડ પર આવેલા સનવર્ડ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. મૂળ ઓડિસાની 50 વર્ષીય અન્નપૂર્ણા મલ્લિકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અન્નપૂર્ણા છેલ્લા પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી હતી. છેલ્લા એક વર્ષથી તે મિલુ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી અને તેની સાથે રહેતી હતી. તાજેતરમાં મિલુએ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તે અન્નપૂર્ણાને છોડીને બીજે રહેવા ચાલ્યો ગયો હતો.
છેલ્લા એક મહિનાથી એકલતા ભોગવી રહેલી અન્નપૂર્ણાએ લેબર ક્વાર્ટર નંબર-4માં છત પર લગાવેલા પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ પરશુરામ શંભુનાથ સાહુએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે અને આગળની તપાસ શરૂૂ કરી છે.