ચાંદખેડા પોલીસને એક કિ.મી.સુધી ઢસડનાર દંપતીને લોકઅપમાં VIP સુવિધા આપનારા 4 સસ્પેન્ડ
જેલમાં હોટેલની જેમ ગાદલું, ઓશીકું અને રજાઇ આપી હતી, DCP ZONE-2ની સરપ્રાઇઝ વિઝિટમાં ભાંડો ફૂટતા કાર્યવાહી
ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે પોલીસની નાકાબંધી તોડીને બે પોલીસ કર્મચારીને 1 કિલોમીટર સુધી ઢસળી-લટકાવીને લઈ ગયેલા દંપતીને લોકઅપમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવા બદલ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડીસીપી રાતે પોલીસ સ્ટેશનની વિઝિટમાં ગયા ત્યારે લોકઅપમાં અન્ય આરોપીને માત્ર બ્લેન્કેટ આપવામાં આવ્યાં હતાં. જ્યારે બે પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ કરનારા દંપતીને લોકઅપમાં ગાદલું, ઓશીકું, રજાઈ આપી હતી. ચાંદખેડાના પીઆઈ નિકુંલજ સોલંકી, ડીસ્ટાફ પીએસઆઈ તેમ જ અન્ય 15 પોલીસ કર્મચારી તપોવન સર્કલ પાસે નાકાબંધી વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી ફોર્ચ્યુનર ગાડી લઈને નીકળેલા અનુજ પટેલ અને પત્ની પાયલ પોલીસની નાકાબંધી તોડીને ભાગ્યાં હતાં. કોન્સ્ટેબલ નિતેશકુમારને 1 કિલોમીટર સુધી જ્યારે રાયમલભાઈને 300 મીટર સુધી ઢસડ્યા હતા અને ભાગી ગયા હતા.
આ બંનેને ચાંદખેડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યાં હતાં. જોકે આ દરમિયાન ઝોન - 2 ડીસીપી શ્રીપાલ શેસ્મા રાતના સમયે ચાંદખેડા પોલીસ સ્ટેશનની વિઝિટમાં ગયા હતા ત્યારે તેમણે જોયું તો લોકઅપમાં અન્ય આરોપીઓને પોલીસે બ્લેન્કેટ આપ્યા હતા.ડીસીપીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીએસઓ હેડ કોન્સ્ટેબલ પન્નાલાલ બદાભાઈ, પીઆઈ પર્સનલના 3 રાઇટર કોન્સ્ટેબલ કિરીટસિંહ દોલાજી, હેડ કોન્સ્ટેબલ હરીશચંદ્ર દાદુસિંહ અને હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રણછોડભાઈને સસ્પેન્ડ કર્યા હતા.