યુવતી ઉપર દુષ્કર્મ આચરી ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 4.25 લાખ પડાવ્યા
યુવતીના લગ્ન સમયે આવી ખૂનની ધમકી આપી લગ્ન અટકાવી દીધા : મહિલા સહિત બે સામે ફરિયાદ
શહેરમાં રહેતી યુવતીને ફસાવી શખ્સે સાધુ વાસવાણી રોડ પર ફલેટમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી ન્યુડ ફોટા અને વિડિયો ઉતારી લીધા હતાં. બાદમાં આ ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રૂા.4.25 લાખ પડાવી લીધા હતાં અને માર મારી યુવતીના લગ્ન સમયે આરોપી શખ્સ અને મહિલાએ આવી યુવતીના પરિચીતને જાનથી મારી નાખવાની ધમકી આપી લગ્ન અટકાવી દીધા હતાં. આ અંગે યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે માધાપર ચોકડી પાસે રહેતા શખ્સ અને સાધુ વાસવાણી રોડ પર રહેતી મહિલા સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રહેતી એક યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી પાસે રહેતાં મુકેશ રવજીભાઈ સોલંકી અને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટમાં રહેતી પ્રીતી ઘેટીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ યુવતીને જાળમાં ફસાવી ડિસેમ્બર 2022થી અત્યાર સુધીમાં પૂર્વયોજીત કાવતરું રચિ આરોપી મુકેશ સોલંકી ફરિયાદીને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટના ફલેટમાં લઈ જઈ તેની સાથે મરજી વિરૂધ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું.
આરોપીએ ફરિયાદીનાં ન્યુડ ફોટા અને વિડિયો ઉતારી લીધા હતાં બાદમાં પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે ફરિયાદીને ન્યૂડ ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી પાસેથી કટકે કટકે રૂા.4.25 લાખ બળજબરીથી પડાવી લીધા હતાં અને આરોપી મુકેશે ફરિયાદીને પોતાની કારમાં ચાર્જિંગ વાયર અને કડા વડે માર માર્યો હતો.
બાદમાં ફરિયાદીનાં લગ્ન સમયે આરોપી મુકેશ અને પ્રીતી બન્નેએ ધસી આવી ફરિયાદીના પરિચિતને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના લગ્ન રોકાવી દીધા હતાં. આમ બન્ને આરોપીઓએ પૂર્વયોજીત કાવતરું રચી ફરિયાદી ઉપર દુષ્કર્મ ગુજારી ન્યુડ ફોટા અને વિડિયો ઉતારી લઈ વાયરલ કરવાની ધમકી આપી રૂા.4.25 લાખ પડાવી લીધા હોય જે અંગે ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં હેડ કોન્સ્ટેબલ જી.એસ.ઝાલાએ મહિલા સહિત બન્ને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.