વેરાવળમાં પોસ્ટ ઓફિસ રોડ પર 31 દુકાનોનું ડિમોલીશન
વેરાવળ શહેરમાં રસ્તો પહોળો કરવા ગેરકાયદેસર 31 જેટલી દુકાનો પર નગરપાલીકા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ગેરકાયદેસર ખડકાયેલ દબાણો દુર કરાયા છે.વેરાવળના હાર્દસમા પોસ્ટ ઓફિસ રોડ ઉપર માર્જીન અને ગટરની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલ 31 જેટલી દુકાનો ઉપર નગરપાલિકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ હતું. ટ્રાફીક સમસ્યા હલ કરવા નગરપાલીકાએ કરેલ કામગીરીને લોકોએ આવકારી શહેરમાં પાર્કીંગ વગરના ખડકાયેલા બિલ્ડીંગો સામે પણ આવી જ કામગીરી કરવા લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
નવા વર્ષના પ્રારંભે વેરાવળ નગરપાલિકા તંત્રની ડિમોલેશન કામગીરી આગળ ધપી છે જે અંગે માહિતી આપતા ચીફ ઓફિસર ચેતન ડુડિયા અને જેઠાભાઇ સોલંકીએ જણાવેલ કે શહેરના હાર્દ સમા પોસ્ટ ઓફિસ રોડ ઉપર રેયોન હાઉસિંગના રહેણાંક બિલ્ડીંગોની આગળના ભાગની માર્જીન અને ગટરની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે 30 થી વધુ દુકાનો બની ગઈ હતી. જે તમામ દુકાનદાર ધારકોને નોટિસો આપી દુકાનોના દબાણો હટાવી લેવા સૂચના આપી હતી. તેમ છતાં દબાણ ન હટવ્યા હોવાથી આજે સવારે બે જેસીબી સાથે નગરપાલિકાનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગેરકાયદેસર રીતે બની ગયેલ 31 જેટલી દુકાનોના દબાણોને દુર કરી જગ્યા ખુલી કરાવી હતી. આ કામગીરી થતા ટ્રાફિકથી ધમધમતો પોસ્ટ ઓફિસ રોડ પહોળો થયેલ જોવા મળતો હતો.