‘મારી ડોલ પહેલા લે’ તેમ કહી કચરા ગાડીના ડ્રાઇવર ઉપર 3 શખ્સોનો હુમલો
ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો
શહેરના મવડી વિસ્તારના ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરમાં કોર્પોરેશનની કચરાગાડી કચરો લેવા માટે ગઇ હતી ત્યારે અજાણયા ત્રણ શખ્સોએ કચરા ગાડીના ડ્રાઇવરને ‘મારી ડોલ પહેલા લે’ તેમ કહી ધોકા વડે મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર રહેતો અને કોર્પોરેશનની કચરાગાડીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો અલકેશ રમેશભાઇ શિંગાળીયા (ઉ.વ.19) નામનો યુવાન આજે સવારે કચરાગાડી લઇ કચરો ભરવા માટે જતો હતો દરમિયાન ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગર શેરી નં.3માં કચરો લેવા ગયો હતો ત્યારે અજાણાયા ત્રણ શખ્સોએ ઝઘડો કરી ‘મારી ડોલ પહેલા લે’ તેમ કહી ધોકા વડે હુમલો કરી મારમાર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.