રાજકોટમાં અલકાયદાના 3 બંગાળી આતંકીઓને જન્મટીપની સજા
સોની બજારમાં મજૂરી કામના ઓઠા હેઠળ ઝેહાદી પ્રવૃત્તિ કરતાં ઝડપાયા હતા
એટીએસની ટીમે ઓપરેશન કર્યુ હતું, બે વર્ષમાં જ સેશન્સ કોર્ટનો ચૂકાદો
રાજકોટમાં સોની બજારમાં મજુરી કામના ઓઠા હેઠળ દેશ વિરોધી પ્રવૃતિ કરી અલ કાયદાનો પ્રચાર કરતાં ત્રણ બંગાળી આતંકીઓને અમદાવાદ એટીએસની ટીમે બે વર્ષ પૂર્વે રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી હથિયાર સાથે ઝડપી લીધા હતાં. જેલ હવાલે રહેલા ત્રણેય શખ્સો સામેનો કેસ રાજકોટની કોર્ટમાં ચાલી જતાં દેશ વિરોધી પ્રવૃતિ કરનાર ત્રણેય બંગાળી શખ્સોને અદાલતે અંતિમ શ્ર્વાસ સુધી સખત કેદની સજા અને રૂા.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ મુળ બંગાળના વતની અને રાજકોટમાં સોની બજારમાં મજુરી કામના ઓઠા હેઠળ ત્રણ શખ્સો દેશ વિરોધી પ્રવૃતિ કરી અલ કાયદા તઝીમનો પ્રચાર કરતાં હોવાની બાતમીના આધારે અમદાવાદ એટીએસની ટીમે તા.31/7/2023નાં રોજ રાજકોટ રેલવે સ્ટેશન પર પાર્સલ ઓફિસ પાસે વોચ ગોઠવી હતી. જ્યાંથી શંકાસ્પદ હાલતમાં જણાતાં અમન સિરાજ મલીક (રહે.હુગલી, પશ્ર્ચિમ બંગાળ), અબ્દુલ શકુલઅલી શેખ (રહે.વર્ધમાન પશ્ર્ચિમ બંગાળ) અને શેફનવાઝ એબુશાહીદ (રહે.વર્ધમાન પશ્ર્ચિમ બંગાળ) નામના ત્રણેય શખ્સોની અટકાયત કરી તલાસી લેતાં અબ્દુલ શકુલઅલી શેખ પાસેથી એક પિસ્તોલ અને કાર્ટીસો મળી આવી હતી. જ્યારે અમન સિરાજ મલીક પાસેથી મોબાઈલ તેમજ સીમ કાર્ડ મળી આવ્યા હતાં.
જે મોબાઈલ ફોન ચેક કરતાં તેમાંથી સરકાર વિરોધી પ્રચારના લખાણો અને રાહે-એ-હિદાયત નામના ગ્રુપની દેશ વિરોધીઓની વિગતો મળી આવી હતી. ઝડપાયેલા બન્ને શખ્સની પુછપરછમાં શેફનવાઝ એબુશાહીદ સોની બજારમાં કૃષ્ણકુંજ નામના બિલ્ડીંગમાં રહેતા શેફનવાઝ એબુશાહીદનું નામ ખુલતાં એટીએસની ટીમે બન્ને શખ્સોને સાથે રાખી કૃષ્ણકુંજ નામના બિલ્ડીંગમાં દરોડો પાડી શેફનવાઝ એબુશાહીદને ઝડપી લીધો હતો અને મકાનની તલાસી લેતાં તેમાંથી દેશ વિરોધી પ્રવૃતિઓનું સાહિત્ય મળી આવ્યુ હતું. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં. જે કેસમાં તપાસ અધિકારીને ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ પુરતો પુરાવો મળી આવતાં રાજકોટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતાં આરોપીના બચાવ પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે રાહ-એ-હિદાયત ગ્રુપ દેશ વિરોધી કે ત્રાસવાદી ગ્રુપ નથી તેમજ મસ્જીદમાં આવનાર ઘણા મુસ્લિમ ભાઈઓએ જણાવેલ છે કે આ ત્રણેય શખ્સોને દેશ વિરોધી પ્રવૃતિ કરતાં તેઓએ કયારેય જોયેલા નથી. આ કારણોસર ત્રણેય આરોપીઓ સામેનો ગુનો પુરવાર થતાં નથી. જ્યારે સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનમાં વોટસએપ ચેટીંગના વાર્તાલાપથી સાબિત થાય છે કે તેઓ મુસ્લિમ સમાજનાં ચોક્કસ વર્ગને દેશ વિરોધી પ્રવૃતિઓ માટે ઉકસાવે છે.
આ ઉપરાંત તેઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન, પિસ્તોલ અને કાર્ટીસો અંગે કોઈ જ ખુલાસો કે ઈન્કાર નથી જે સાબિત કરે છે કે આ ત્રણેય શખ્સો કોઈને કોઈ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. આરોપીઓએ પોતાના બચાવમાં જે બે મુસ્લિમ શખ્સોની સાહેદ તરીકે જુગાની લેવડાવી બચાવ ઉભો કરેલ છે કે આ ત્રણેય શખ્સો મસ્જિદમાંથી કયારેય પણ દેશ વિરોધી પ્રચાર કરતાં જણાયા નથી. જેની સામે સરકારી વકીલે બચાવ પક્ષના સાહેદોની ઉલટ તપાસ કરીને સાબિત કરેલ કે બચાવ પક્ષના આ બન્ને સાહેદો દિવસ દરમિયાન નમાઝ માટે મસ્જિદમાં ફકત 15-20 મીનીટ જ જતાં હતાં. દિવસ દરમિયાન બાકીના કલાકોમાં જુદા જુદા સમયે થતી નમાઝ વખતે ત્રણેય આરોપીઓ શું પ્રવૃતિઓ કરે છે ? તે આ બન્ને સાહેદોનેં જાણકારી ન હતી.
સહિતની રજૂઆત કરી હતી. સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણે દેશ વિરોધી પ્રવૃતિ કરી અલ-કાયદાનો પ્રચાર કરનાર ત્રણેય બંગાળી કારીગરોને અંતિમ શ્ર્વાસ સુધીની સખત કેદની આજીવન સજા અને રૂા.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતાં.
જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાની 127 કેસમાં સજાની ઉપલબ્ધી
રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ તા.23-12-2015ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. જિલ્લા સરકારી વકીલ તરીકેના સાડા નવ વર્ષના સમયગાળા દરમિયાન સરકારી વકીલ સંજયભાઈ કે.વોરાએ રાજ્યભરમાં સૌથી વધુ અપરાધીઓને સજા આપવાનો ઈતિહાસ રચ્યો છે. સરકારી વકીલ એસ.કે.વોરાએ સાડા નવ વર્ષના સમયગાળા દરમિયાન અનેક ચકચારી કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે પણ નિષ્ઠાપૂર્વક કેસ લડ્યા છે અને સાડા નવ વર્ષના સમયગાળા દરમિયાન હત્યા, હત્યાની કોશિષ, દુષ્કર્મ, ભ્રષ્ટાચાર સહિત જુદા જુદા 127 કેસમાં સંડોવાયેલા અપરાધિઓને સજા અપાવવાની ઉપલબ્ધી હાંસીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં સૌથી વધુ અપરાધીઓને સજા અપાવનાર જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાનું ગાંધીનગર ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન દિવસે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને એન્ટી કરપ્શન બ્યુરોના અધ્યક્ષ હસ્તે સન્માન કરવામાં આવ્યું છે.