કાપડના વેપારીએ 1.67 કરોડના 3.81 કરોડ ચૂકવ્યા છતાં ઉઘરાણી
માસિયાઈ ભાઈ સહિત પાંચ વ્યાજખોર સામે નોંધાતો ગુનો : વ્યાજખોરો ઘરે આવી પૈસાની પઠાણી ઉઘરાણી કરતા
વ્યાજખોરોથી ડરીને વેપારી રાજકોટ છોડી અલગ અલગ સ્થળો પર છુપાઈને રહેવા મજબૂર બન્યો : લોકદરબારમાં રજૂઆત બાદ પોલીસની કાર્યવાહી
રાજકોટમાં વ્યાજખોરોના કારણે થોડા દિવસો પહેલા જામનગરના પરિવારે સામુહિક આપઘાત કરી લીધો હતો. રાજ્ય પોલીસ વડાની સૂચનાથી જીલ્લાભરમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા લોક દરબાર યોજાયા હતાં જેમાં પીડિતો દ્વારા અરજી કરવામાં આવી હતી. હવે પોલીસે ગુના નોંધવાનું શરૂ કર્યુ છે. ત્યારે રાજકોટના રેલનગરના વેપારીને કીડની વેંચી નાણા આપવા પડશે તેવી ધમકી વ્યાજખોરોએ આપતા ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. મુળ ધોરાજીના અને હાલ રાજકોટના ટેલીફોન એક્સ્ચેન્જ પાછળ સનપ્લાઝા એપાર્ટમેન્ટ હરીનગર-3માં રહેતા કાપડના વેપારી શ્યામભાઈ દિનેશભાઈ ભુત (ઉ.વ.32)એ પોતાની ફરિયાદમાં રાજકોટના દીપ કીરીટ ટીલવા, પીયુષ ભગવાન ફળદુ, ભરત હરી જાગાણી, રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ વાઘેલા અને જામનગરના અનિરુદ્ધસિંહ સજુભા જાડેજાનું નામ આપતા તમામ સામે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
શ્યામભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2011થી પોતે શ્યામ એન્ટરપ્રાઈઝ પેઢીના નામે રેડીમેટ ગાર્મેટનો રીટેઈલ તથા હોલસેલનો વેપાર કર્તો હતો. વેપારી વધારવા મુડીની જરૂર હોય જેથી માસીયાઈ ભાઈ દીપ ટીલવા પાસેથી 2016ના વર્ષમાં 25 લાખ વ્યાજે લીધા હતાં. જેની સામે 55 લાખ વ્યાજસહિત ચુકવી દીધા હતા.
ત્યારે બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધંધો વધારવા 2016-17માં પીયુષ ફળદુ પાસેથી 27 લાખ લીધા હતા તેમને 54 હજાર દર મહિને તેમજ એક કોરો ચેક આપ્યો હતો. તેમને કુલ 70 લાખ ચુકવ્યા તેમ છતાં રૂા. 34.50 લાખની માંગણી કરતો હતો ત્યાર બાદ ભરત જાગાણી પાસેથી 2016 થી 2018 દરમિયાન કટકે કટકે 90 લાખ લીધા હતા જેના બદલામાં તેમને 1.50 કરોડ ચુકવી આપ્યા હતા તેઓ એક કરોડની માંગણી કરે છે.
ભરતભાઈએ એક કરોડનો ચેક લઈ બેંકમાં નાખી બાઉન્સ કરાવ્યો હતો અને કોર્ટમાં ફરિયાદ કરી હતી ત્યાર બાદ તેમણે ઘરે આવી મારમાર્યો હતો. ત્યાર બાદ જામનગરના અનિરુદ્ધસિંહ પાસેથી 2018-19માં આંગડિયા મારફતે 15 લાખ લીધા હતા તેમની સામે રૂા. 53 લાખ ચૂકવી દીધા છતાં 35 લાખની માંગણી કરે છે. તેમણે શ્યામભાઈના નામે ક્રેટા કાર લઈ નાણા ચૂકવ્યા બાદ જ આ કાર પરત આપવા જણાવ્યું હતું. અનિરુદ્ધસિંહ ઓફિસે આવી પત્નીના અને પોતાના નામના કોરા ચેક લઈ ગયેલ જે પરત આપ્યા નથી.
ત્યાર બાદ રાજકોટના રાજદિપસિંહ પાસેથી 2019માં મિત્ર રોહિત ઉર્ફે પ્રતિક ચોવટિયાએ 40 લાખ વ્યાજે લીધા હતા તે નાણા લઈ સુરત જતો રહ્યો હતો ત્યાંતી અમુક હપતા મોકલાવ્યા બાદ નાણા ન ભરતા રાજદિપસિંહે શ્યામભાઈને ધમકાવી નાણાની માંગણી કરી હતી. તેમને કુલ 53 હજાર ચુકવી દીધા હતા દીપે વધુ નાણા કઢાવવા માટે રાજદિપસિંહને હવાલો આપ્યો હતો. આરોપી રાજદિપસિંહ ઓફિસે આવી બળજબરીથી ચેક લઈ ગયો હતો.
વ્યાજખોરો ઉઘરાણી કરતા હોય જેથી કંટાળી શ્યામભાઈ બોમ્બે જતા રહ્યા હતાં. દરમિયાન રાજદિપસિંહ ઘરે આવી પરિવારને ધમકાવતો હતો અને પૈસાની ઉઘરાણી કરતો હતો.
આરોપીઓથી ડરીને અલગ-અલગ જગ્યાએ છુપાઈને રહેવું પડ્યું હતું. ત્યાર બાદ તા. 28/06ના વ્યાજખોરીના લોક દરબારમાં અરજી કરતા યુનિવર્સિટી પોલીસે પાંચેય વ્યાજખોર સામે ગુનો નોંધ્યો હતો.
આ ઘટના બાદ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ વસાવા અને સ્ટાફના પીએસઆઈ વી.એમ.બોદર, પીએસઆઈ બોગાભાઈ ભરવાડ અને સ્ટાફે વ્યાજખોરોના ઘરે દરોડા પાડ્યા હતાં. જો કે તે સમયે વ્યાજખોર મળી આવ્યા ન હોય, પોલીસે કોલ ડિટેલના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અનિરુદ્ધસિંહ અગાઉ આપઘાતની ફરજના ગુનામાં સામેલ, રાજદીપસિંહ ‘આપ’નો કાર્યકર
શ્યામભાઇ પટેલે કરેલી વ્યજખોરો સામેની ફરિયાદ સામેલ જામનગરના વ્યાજખોર અનિરુદ્ધસિંહ ઉર્ફે મનુભા સજુભા જાડેજા વિરુદ્ધ 2022ની સાલમાં સી ડીવીઝનમાં આપઘાતની ફરજ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ બનાવમાં વસંતભાઇ ચૌહાણે અનિરુદ્ધસિંહ પાસેથી નાણા વ્યાજે લીધા હોય જે નાણાની ઇઘરાણી કરતા આરોપી અનિરુદ્ધસિંહ ત્રાસ આપતા હોય અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા હોય. જેથી વસંતભાઇએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અગાઉ અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અગાઉ પણ વ્યાજખોરની ફરિયાદ નોંધાઇ ચૂકી છે. પોતે રાજ્કીય વગ ધરાવતો હોય જેથી પોલીસ મારુ કાંઇ બગાડી નહીં શકે તેવી ધમકી આપી હતી. તેમજ વ્યાજખોર રાજદિપસિંહ વાઘેલા જ્યારે પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતો ત્યારે પોતે પોલીસમાં હોવાનું જણાવતો હતો તેમજ પોતે રાજકોટ શહેર વોર્ડ નં.11માં આમ આદમી પાર્ટીનો પ્રમુખ અને પાર્ટીમાં સક્રિય કાર્યકર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વ્યાજખોરોના ત્રાસથી સૌરાષ્ટ્રના છ શો રૂમ બંધ કરવા પડ્યા
રાજકોટમાં રહેતા શ્યામભાઇ પટેલે પાંચ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતુ કે, સૌ પ્રથમ શ્યામ એન્ટરપ્રાઇઝ નામે પેઢીની શરૂઆત કરી હતી. જેમાં રેડીમેડ ગારમેટનો ધંધો કરવામાં આવતો હતો અને ધંધો વધતા જ સૌરાષ્ટ્રમાં છ જેટલા શો રૂમ ખોલ્યા હતા. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી તમામ શો રૂમ બંધ કરવા પડ્યા હતા. તેમજ આરોપીઓ ઘરની બહાર અને શો રૂમની આજુબાજુ આટાંફેરા કરી ધાક ધમકીઓ આપતા હોય. જેથી છેલ્લા એકાદ વર્ષથી ધંધો બંધ કરી પરિવાર સાથે અને એકલા અલગ-અલગ જગ્યાઓ પર રહેતા હતા. હાલ પોલીસ પાસે હવે ન્યાયની જ અપેક્ષા છે. વ્યાજખોરો શોરૂમ બાદ ઘરે આવી અવાર-નવાર ધમકાવતા હતાં અને રાત્રીના ગમે ત્યારે ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતાં જેથી શ્યામભાઈનો પરિવાર વ્યાજખોરોની ધમકીથી ભયભીત થઈ ગયો હતો.
વ્યાજખોરના સાગરિતોએ મુંબઇમાં અપહરણ કરી બે દિવસ ગોંધી બેફામ માર માર્યો
ફરિયાદી શ્યામભાઇએ આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે, રાજકોટમાં પાંચેય વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પોતે મુંબઇ જતા રહ્યા હતા. ત્યાં ઘાટ કોપર વિસ્તારમાં રહેતા હોય જેથી રોહીત ચોવટીયા તેમના સાગરીતો સાથે પહોંચ્યો હતો અને પૈસા ચૂકવવા માટે શ્યામભાઇનું અપહરણ કરી ગોંધી રાખી બેફામ માર માર્યો હતો. જે અંગે મુંબઇના એનઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યાં પોલીસે ફરિયાદ લેવાના બદલે આરોપીની ફરિયાદ લઇ શ્યામભાઇને આરોપી બનાવી અને રીમાન્ડ માંગ્યા હતા. આ ઘટના બાદ શ્યામભાઇએ કોર્ટમાં પીટીશન દાખલ કરતા કોર્ટે ખોટી ફરિયાદ નોંધી હોવાને લઇ પોલીસમેન સામે પગલા લેવા હુકમ કર્યો હતો અને સત્યતા તપાસની આરોપીઓ સામે ગુનો નોંધવા કાર્યવાહી કરવા સુચના આપી હતી. ત્યારબાદ શ્યામભાઇના પત્ની કૃતિબેને રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં રોહીત ઉર્ફે પ્રતિક ડાયાભાઇ ચોવટીયા અને તેમના છ સાગરીતો વિરુદ્ધ લેખીત અરજી આપી હતી. જેમાં શ્યામભાઇનો મોબાઇલ આરોપીઓએ પડાવી લઇ તેમાંથી નંબરો લઇ સગાસબંધીઓને ધમકી ભર્યા અને અલગ-અલગ વીડિયો મોકલી પતિને ચીટર તરીકે જાહેર કરી બદનામ કરવાનું કૃત્ય કરે છે. તેમજ એક વોટસએપગ્રૂપનું નામ બદલી શ્યામ ચોર રાખી તેનાં રહેલા 700થી 800 મેમ્બર એડ કર્યા હતા. ત્યાર બાદ આ વોટસએપ ગ્રૂપમાં વીડિયો અને ખરાબ મેસેજ શેર કરી શ્યામભાઈ તેમજ તેમના પરિવારને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું.