જૂનાગઢમાં વેરિફિકેશનના નામે પોલીસ કર્મીના ખાતામાંથી 3.29 લાખની ઠગાઇ
હાલના સમયમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યું છે, લોકોના બેન્ક એકાઉન્ટમાં રહેલી પોતાની મૂડી પણ સુરક્ષિત નથી. ત્યારે જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ નારણભાઈ બાલસ સાથે સાયબર ગઠિયાઓએ લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરી છે. નરેન્દ્રભાઈ જ્યારે પોલીસ સ્ટેશને પોતાની ફરજ પર હતા, ત્યારે તેમને ફોનમાં એક્સીસ બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપીને એક ગઠિયાએ વિશ્વાસ અપાવ્યો હતો.
પોલીસ કર્મચારીનું બેન્ક એકાઉન્ટ સેલેરી એકાઉન્ટ તરીકે એક્સીસ બેન્કમાં જ હોવાથી તેને ગઠિયાની વાત પર વિશ્વાસ કરી લીધો હતો. ગઠિયાએ ફોન પર જણાવ્યું કે તમારું બેન્ક એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે અને ઓનલાઈન વેરિફિકેશન કરાવવું પડશે. આટલું કહી એક્સીસ બેન્કની પાન અપડેટ નામની એપ્લીકેશન મોબાઈલમાં ઈન્સ્ટોલ કરાવી હતી. પોલીસકર્મી આ એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને જ્યારે તેમને કોઈએ ફોન કર્યો ત્યારે તેમનો નંબર પણ સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો, જેથી તેમને રૂૂબરૂૂ જાણ થતા તેમને તપાસ શરુ કરી હતી.
આ દરમિયાન તેમને એક અન્ય નંબર પરથી કોલ આવ્યો હતો અને એક્સીસ બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે હાલમાં તમારા બેન્ક ખાતામાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. જેથી તે બાબતની ના કહી તરત પોતાનું એકાઉન્ટ તપાસ્યું હતું, જેથી પોતાના ખાતામાંથી અજાણ્યા શખ્સે પ્રથમ 29,000 અને ત્યારબાદ 3,00,000 એમ કુલ 3.29 લાખ જેવી માતબર રકમ ઉપાડી લીધી હતી અને કેનેરા બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી હોવાનું માલુમ પડ્યું હતું. અંતે પોલીસકર્મીએ પ્રથમ સાયબર હેલ્પલાઈન અને બાદમાં એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.