ભેસાણના શૈક્ષણિક સંકુલના 25 છાત્રો સાથે દુષ્કર્મ
ભોગ બનેલા વિદ્યાર્થીઓએ વાલીને ફરિયાદ કરતા ભાંડો ફૂટયો, પ્રિન્સિપાલ અને શિક્ષક પોલીસ સકંજામાં
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા એક ખાનગી શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ જગતને શર્મસાર કરનાર ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સંકુલના પ્રિન્સિપાલ અને સંસ્કૃતના શિક્ષક પર 25થી વધુ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્ય કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાએ વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર ભેસાણમાં આ મામલે ભારે ચર્ચા છે. ત્યારે પોલીસે બંનેને ઉપાડી લીધા અને પૂછપરછ કરી હતી. દરમિયાન આ મુદ્દે વાલીઓ કંઈ પણ કહેવા ઈનકાર કરી રહ્યા છે. તેવામાં નજરે જોનાર કેટલાક વિદ્યાર્થીઓ વાલીઓના પાણીમાં બેસી જવાથી નાખુશ છે.
આખી ઘટના સામે આવતાં જ ભેસાણના વાલીઓમાં હડકંપ મચી ગયો હતો. વાલીઓએ પોલીસને અરજી આપી છે, જો કે હાલ હજુ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી, પરંતુ વિદ્યાર્થીઓના નિવેદનો તેમજ આક્ષેપોની ગંભીરતા જોઈ સમગ્ર તંત્ર ચોંકી ગયું છે.
બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર કિરણબેન રામાણી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું કે, આ ઘટના શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી છે. વિદ્યાર્થીઓએ 20થી 25 બાળકો સાથે અભદ્ર કૃત્ય કર્યાની વાત કરી છે. વાલીઓ હાલ ફરિયાદ આપવાની ના કહી રહ્યા છે, તેઓ મંત્રણા કર્યા બાદ નિર્ણય લેશે. બાળકોના વાલીઓ હાલ પોતાની સંતાનોને ઘરે લઈ ગયા છે. એક માતાએ જણાવ્યું કે, મારા બાળક સાથે પણ અભદ્ર કૃત્ય થયું છે. અમે ભેસાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, પરંતુ સૌ વાલીઓ સાથે મળી નક્કી કરી આગળ કાર્યવાહી કરીશું. આ મામલે વિદ્યાર્થી સાથે વાત કરતા તેમને પણ કહ્યું હતું કે સાહેબ અમને મોડી રાત્રે બોલાવ્યા બાદ કપડાં કાઢી અમારી સાથે ગંદુ કામ કરવામાં આવતું હતું અને આ સંસ્થાના 25થી વધુ વિદ્યાર્થીઓ સાથે સાહેબે આવું કર્યું છે.
સવારે યોજાયેલી વાલી મીટિંગમાં વિદ્યાર્થીઓએ વાલીઓને જણાવ્યું હતું, ત્યારબાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. બાળકોના મેડિકલ રિપોર્ટ તથા વિગતવાર તપાસ બાદ જ સમગ્ર ઘટના અંગે પોલિસી કાર્યવાહી સ્પષ્ટ થશે. આ કૃત્ય સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વાલીઓ તેમજ સ્થાનિકોની માંગ ઉઠી રહી છે.
આ મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે આ મામલે ભેસાણ પોલીસ સ્ટેશનના અધિકારીને સૂચના આપવામાં આવી છે કે હાલ જે ઘટના સામે આવી છે, જેને લઇ વાલીઓને સમજાવી તેમની ફરિયાદ નોંધવામાં આવે અને જો વાલીઓ ફરિયાદ નોંધવા રાજી ન હોય તો બાળ સુરક્ષા અધિકારીને ફરિયાદી બનાવી આ મામલે વહેલી તકે ફરિયાદ નોંધવામાં આવશે.