માધાપર ચોકડી પાસે મોલના ગોડાઉનમાંથી 1788 બોટલ દારૂ પકડાયો
ન્યુ સિટી મોલના સંચાલક અને બૂટલેગરે ભાગીદારમાં દારૂનો ધંધો શરૂ કર્યો, મોલનો માલિક સહિત બેની ધરપકડ, બૂટલેગર ફરાર
શહેરના માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે આવેલા ન્યુ સીટી મોલના એક ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડીને રૂા.5.10 લાખની કિંમતની 1788 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. ન્યુ સિટી મોલમાં દુકાન નં.8ના માલિક અને બુટલેગરે સાથે મળી દારૂનો વેપલો શરૂ કર્યો હતો જેમાં દારૂનું કટીંગ થયું હોય જે અંગેની બાતમી પોલીસને મળતાં પોલીસે દરોડો પાડીને દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. દરોડામાં દુકાનના માલીક અને તેના સાગ્રીતને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે બુટલેગર ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરાઈ છે.
મળતી વિગતો મુજબ, શહેરનાં માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાના રસ્તે આવેલા ન્યુ સિટી મોલમાં ઓફિસ નં.8ની અંદર દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડયો હતો. દુકાન નં.8ના ગોડાઉનના માલિક હિરેન જેન્તી પાનસુરીયાને ત્યાંથી રૂા.5.10 લાખની કિંમતની અલગ અલગ નાની મોટી વિદેશી દારૂની 1788 બોટલ મળી આવી હતી. ગાંધીગ્રામ પોલીસે ગોડાઉનના માલિક હિરેન જેન્તી પાનસુરીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ દારૂનો જથ્થો રાજકોટનાં બુટલેગર રાજ ઉર્ફે રજની ચંદ્રપ્રકાશ કોટાઈનો હોવાનું ખુલ્યું હતું. હિરેન તેમજ દારૂ ઉતારનાર તેના કર્મચારી કેવલ મઢવીની ધરપકડ કરી બુટલેગર રજનીની શોધખોળ શરૂ કરાઈ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે માધાપર ચોકડી પાસે આવેલા ન્યુ સિટી મોલમાં દુકાન નં.8માં ગોડાઉન ચલાવતાં હિરેન જેન્તી પાનસુરીયા અને બુટલેગર રજની કોટાઈએ આ દારૂનો જથ્થો બે દિવસ પૂર્વે જ મંગાવ્યો હતો અને આ દારૂનું કટીંગ કરીને જથ્થો અન્ય સ્થળે પહોંચાડે તે પૂર્વે પોલીસ ત્રાટકી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી.અકબરી સાથે પીએસઆઈ એમ.એલ.ગોહિલ તેમજ સ્ટાફના મુકેશભાઈ સબાડ, શક્તિસિંહ ગોહિલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
તહેવારો પૂર્વે શહેરમાં દારૂની રેલમછેલ, 7 દરોડામાં 2400 બોટલ દારૂ પકડાયો
સાતમઆઠમના તહેવારો પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુજાવવા માટે શહેરમાં બુટલેગરો સજ્જ થઈ ગયા છે અને મોટા પ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી દારૂનો જથ્થો મંગાવ્યો હોય રાજકોટ શહેરમાં અલગ અલગ સાત દરોડામાં 2400થી વધુ બોટલ દારૂ પોલીસે પકડી પાડયો છે. ક્રાઈમ બ્રાંચે રૈયા ગામના સ્મશાનમાંથી 288 બોટલ દારૂ ભરેલી ક્રેટા પકડી પાડી હતી. જેમાં બુટલેગર સહેઝાદ સુલતાન જલવાણીનું નામ ખુલ્યું છે. જ્યારે એલસીબી ઝોન વનની ટીમે ભાવનગર રોડ ઉપરથી 312 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે ક્રિપાલસિંહ સોલંકીની ધરપકડ કરી જેમાં બુટલેગર હનીફ હુસેન મઘરાનું નામ ખુલ્યું છે. જ્યારે અન્ય દરોડામાં આજી ડેમ ચોકડી પાસેથી બે બોટલ પાસેથી રોહિત શૈલેષ રાઠોડ, 20 નંગ ચપલા સાથે ગાંધીગ્રામ અક્ષરનગર પાસેથી દીપેશ દિલીપભાઈ કમ્બોડીયાની ધરપકડ કરાઈ હતી. તેમજ આઠ બોટલ દારૂ સાથે રૈયા ગામેથી બીપીન રમેશ સોલંકી અને 150 ફુટ રોડ પર પરસાણા ચોક પાસે એક બોટલ સાથે ચિરાગ નરોત્તમ બદ્રકીયાની ધરપકડ કરાઈ હતી. આમ કુલ 2418 બોટલ દારૂ શહેરમાંથી અલગ અલગ દરોડામાં કબજે કરાયો છે.