ચોટીલામાં ખનીજ ચોરીની રેકી કરવા બનાવેલી હોટલ સહિત 17 દબાણો ધ્વસ્ત
ચોટીલા-જામવાળી રોડ પર ફરી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમે ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવ્યા હતા.
ચોટીલાથી 12 કિલોમીટર દૂર સરકારી સર્વે નંબર 78માં છ જેટલા અનધિકૃત બાંધકામો હતા. આમાં માલધારી ટી સ્ટોલ હોટલ, અવલીયા ઠાકર હોટલ, પંચરનું કેબિન, એક ઓરડી, પાણીનો બોર અને અવલીયા વે બ્રિજનો સમાવેશ થાય છે. આ સ્થળનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા ખનિજ ચોરીના મેસેજ મોકલવા માટે થતો હતો.
જામવાળી ગામ નજીક ભારત પેટ્રોલ પંપ પાસે સરકારી સર્વે નંબર 12માં 11 બિનકાયદેસર દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી. આ દબાણો ભનુભાઈ, વાઘાભાઈ, નવઘણભાઇ, રણુભાઈ, ભીખાભાઈ અને વિજયભાઈ અલગોતર દ્વારા કરવામાં આવ્યા હતા. રણુભાઈ અને વિજયભાઈ અલગોતર સામે બિનઅધિકૃત ખનન, વહન અને વેચાણ બદલ વોરંટ જારી કરવામાં આવ્યા છે. દબાણો દૂર કરવાનો ખર્ચ અને સરકારી મિલકતને થયેલ નુકસાન આ વ્યક્તિઓ પાસેથી વસૂલવામાં આવશે. વધુમાં, જામવાળી ગામના સર્વે નંબર 38માં આવેલી ગોકુળ ગ્રાન્ટેઝ હોટલને 15 દિવસમાં દૂર કરવા માલિક વિઠ્ઠલભાઈ અલગોતરને નોટિસ આપવામાં આવી છે.