ચોટીલાના મનરેગા કૌભાંડમાં દોઢ વર્ષ બાદ 12ની ધરપકડ, 8 હજુ ફરાર
2023માં ગુનો નોંધાયા બાદ અંતે પોલીસે આળસ મરડી, તટસ્થ તપાસ થાય તો જિલ્લા સુધી રેલો પહોંચવાની શકયતા
ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે 2018/19થી 2022 દરમ્યાન ચાર કામોમાં 26 લાખથી વધુની ગેરરિતી આચરી કૌભાંડ થયેલું હોવાનું તંત્રની તપાસમાં ખુલતા ડીસેમ્બર 2023 થયેલ એફઆઇઆર બાદ દોઢ વર્ષે પોલીસે 12 શખ્સોની ધરપકડ સહિત કાર્યવાહી હાથ ધરતા સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.
પિપરાળી ગામે રાષ્ટ્રીય રોજગાર યોજનાના કાયદા હેઠળ 2018/19થી 2022 દરમ્યાન ત્રણ કૂવા બનાવવા અને એક જૂનું તળાવ ઊંડુ ઉતારવાની રૂૂ. 26.91.162 ના કામોની મંજૂરી મેળવી આ કામોમાં તાલુકા પંચાયતનાં મનરેગા શાખામાં કામ કરતા કેટલાક ટેકનીકલ નોન ટેકનીકલ કર્મચારીઓ તથા સરપંચ, તલાટી સહિતનાં લોકોએ મિલીભગત કરી ગેરરિતી આચરી કૌભાંડ આચર્યું હોવાની અરજી બાદ થયેલ તપાસ દરમ્યાન લોકપાલ દ્વારા જિલ્લા કક્ષાએ આપેલા અહેવાલમાં કામગીરીમાં ગેરરિતી થયાનું જણાવેલ હતું.
પિપરાળી ગામે મનરેગા ની કામગીરીમાં થયેલ કથિત કૌભાંડમાં ચોટીલા તાલુકા પંચાયતમાં નરેગા શાખામાં કામ કરતા તત્કાલીન કેટલાક કર્મચારીઓ અને ગ્રામ પંચાયત તલાટી, સરપંચ સહિતનાઓની જવાબદારી અને સંડોવણી બદલ તમામ વિરૂૂધ્ધ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી એ. કે. ઠક્કર એ આઇપીસી - 406,408, 409,468,471,477, અ, 34, મુજબ 20 લોકો સામે ડીસેમ્બર 2023માં ચોટીલા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો. ગેરરીતિનાં ગુનામાં દોઢ વર્ષ બાદ બે દિવસ પૂર્વે તપાસ અધિકારી વિશાલ રબારી ડીવાયએસપી લીમડી દ્વારા તાલુકા પંચાયત મનરેગા શાખામાં તત્કાલીન કામ કરતા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર નિલેશભાઇ એમ અલગોતર, ઇન્ચાર્જ ટેકનિકલ આસિસ્ટન્ટ ડાયાભાઇ એમ. જીડીયા, જી.આર.એસ છગનભાઇ એમ. સેજાણી, તલાટી કમ મંત્રી અસ્લમભાઇ સુમરા, તત્કાલીન સરપંચ દુદાભાઇ ચાવડા, મટીરીયલ સપ્લાય વિનુભાઇ પરમાર, તેમજ મેટ કારકુન સાકરીયા ડાહ્યાભાઇ, હરેશભાઇ, મુકેશભાઇ, ભરતભાઇ, દિનેશભાઈ, હરેશભાઈની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી સ્થળ ઉપર તપાસ સહિત નિવેદનો સહિતની કામગીરી હાથ ધરી હતી.
ચોટીલા પંથકમાં મનરેગા કાયદા હેઠળ કથિત કૌભાંડ અને ગેરરીતિઓ પાશેરામા પૂણી સમાન છે.તેમજ થોડા સમય પૂર્વેનાં મનરેગા હેઠળ તાલુકામાં થયેલા વનિકરણમાં પણ જિલ્લા બહારની મટીરીયલ્સ સપ્લાય એજન્સી ગોઠવી મોટો ભ્રષ્ટાચાર આચર્યાની પણ ચણભણ તાલુકામાં છે. સરકાર દ્વારા જો સત્ય અને ન્યાયિક છેલ્લા કેટલાક વર્ષોનાં થયેલ કામો અંગે તપાસ હાથ ધરાય તો અનેકનાં પગ તળે રેલો આવે તેમ હોવાનું કહેવાય છે.
મનરેગામાં ભ્રષ્ટાચારનું ભૂત ફરી જાગૃત થયું
ચોટીલા પંથકમાં વર્ષો પહેલા પણ મનરેગા કાયદા હેઠળ થયેલ કામોમાં ભ્રષ્ટાચાર હેઠળ કેટલાક કર્મચારી અને પદાધિકારીઓ જેલ ગયેલા હતા ફરી પિપરાળી ગામે મનરેગા કાયદા તળે ભ્રષ્ટાચાર કૌભાંડ થતા પોલીસે 20 પૈકી 12 ને પકડી જેલ હવાલે થતા સમગ્ર જિલ્લામાં મનરેગા શંકાનાં દાયરામાં મુકાય ગયેલ છે. રાજ્યમાં મંત્રી પુત્રોનાં કરોડનાં કૌભાંડ બાદ ચોટીલા તાલુકામાં ફરિયાદના દોઢ વર્ષે પોલીસ કાર્યવાહી હાથ ધરતા વિસ્તારમાં મનરેગા નાં ભ્રષ્ટાચારનું ભૂત ફરી જાગૃત થયેલ છે.
કૌભાંડમાં સાયલા તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખનાં પતિ અને પુત્રની સંડોવણી
ચોટીલાનાં પિપરાળી ગામે રૂૂ. 26 લાખ થી વધુ રકમનાં મનરેગા કૌભાંડમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ શાસિત સાયલા તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ હંસાબેન ના પતિ અને પુત્ર ની પણ સંડોવણી બહાર આવેલ છે. જેમા તેમના પતિ ડાહ્યાભાઈ જીડીયા પોલીસના હાથે પકડાઈ ગયેલ છે. તેમના પુત્ર સહિતનાં આઠ હજું પણ પોલીસ પકડ બહાર છે. જેની શોધખોળ હાથ ધરાતા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં પણ ચર્ચા નો વિષય બનેલ છે.